મોસ્કો પર 400થી વધુ ડ્રોનથી યુક્રેનનો મહા વિનાશક હુમલો
- રશિયાના ઓઇલ ડેપો અને જહાજો તબાહ
- કેટલાય ઓઇલ ડેપો ખાખ થતા ખળભળાટ
- રશિયન જહાજો અને ઓઇલ ફેસિલિટીઝ પર પ્રહાર
સિટી ન્યુઝ @ કીવ
યુક્રેનના ઓડેસા બંદર પરથી અનાજ લઈ જતાં કાર્ગો શિપ પર થયેલા હુમલામાં ચાર ભારતીયના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતે આ હુમલાને વખોડી કાઢ્યો છે, જ્યારે યુક્રેનનું કહેવું છે કે આ હુમલો રશિયાએ કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એમવી ગોલ્ડન નામના જહાજ પર 19 જુલાઈના રોજ હુમલો થયો હતો. તેમાં પાંચ ભારતીય સહિત 17 ક્રૂ હતા અને યુક્રેનના જણાવ્યા મુજબ મકાઈ લઈ જતું આ જહાજ રશિયાના ત્રણ મિસાઇલ હુમલાનો શિકાર બન્યું હતું.
આ વળતા પ્રહાર તરીકે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર 400થી વધુ ડ્રોન સાથે હુમલો કરી લાંબા અંતરની ડ્રોન ક્ષમતા સાબિત કરી છે. મોસ્કો પ્રાંતના વડાએ જણાવ્યું હતું કે આ હુમલામાં 10 લોકોને ઇજા થઈ છે અને મોસ્કોથી 30 કિ.મી. દૂર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તથા પોડોલ્સ્ક સ્થિત ઓઇલ ડેપોમાં ભીષણ આગ લાગી છે. યુક્રેનના લશ્કરી દળોએ રશિયાની લોજિસ્ટિક ફેસિલિટીઝ, ઓઇલ ડેપો અને શેડો ફ્લીટને નિશાન બનાવીને રશિયામાં ઇંધણની ભારે અછત સર્જી દીધી છે.
બીજી બાજુ, રશિયા બેલિસ્ટિક મિસાઇલ દ્વારા યુક્રેનને નિશાન બનાવી રહ્યું છે જે અવાજ કરતાં વધુ ઝડપી હોવાથી એર ડિફેન્સ તેને રોકી શકતું નથી. રશિયાએ તાજેતરમાં 94 ડ્રોન અને બે મિસાઇલ છોડ્યા હતા, જેમાં યુક્રેન ડ્રોન અટકાવવામાં સફળ રહ્યું હતું પરંતુ મિસાઇલો ન અટકાવી શકતા નવ સ્થળોએ ભારે નુકસાન થયું હતું. આ યુદ્ધમાં બંને પક્ષો દ્વારા અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ વધતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયામાં તારાજી
યુક્રેન દ્વારા રશિયાની રાજધાની મોસ્કો સહિતના વિસ્તારો પર 400થી વધુ ડ્રોન વડે કરવામાં આવેલા ભીષણ હુમલાના કારણે અનેક ઓઇલ ડેપો અને જહાજો તબાહ થઈ ગયા છે. આ હુમલાના લીધે રશિયાની ધરતી પર ઇંધણની મોટી અછત સર્જાઈ છે અને પુતિન સમક્ષ ગંભીર સુરક્ષા પડકારો ઊભા થયા છે, જ્યારે વળતા પ્રહારમાં રશિયા પણ બેલિસ્ટિક મિસાઇલો દ્વારા યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યું છે.