Loading Please Wait !!!
ઈરાન પર અમેરિકાનો આકરો પ્રહાર: સતત 9મી રાત્રે ભીષણ એરસ્ટ્રાઈકથી ધણધણી ઉઠ્યું ઈરાન

  • હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલાની ક્ષમતા નષ્ટ કરવાનો અમેરિકાનો નિર્ધાર, તબરીઝ-ચાબહારમાં પ્રચંડ વિસ્ફોટ
  • કોમર્શિયલ જહાજો પર હુમલાનો બદલો લેવા CENTCOM નું એક્શન મોડ, બહેરીનમાં સુરક્ષા એલર્ટ
  • બુશેહર અને ચાબહાર નિશાના પર, ઓમાન નજીક જહાજમાં આગ લાગતા વૈશ્વિક ચિંતા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ વધુ આક્રમક બની રહ્યો છે. અમેરિકન પ્રમુખના નિર્દેશ હેઠળ અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સતત 9મી રાત્રે ઈરાનના વિવિધ વ્યૂહાત્મક વિસ્તારો પર તીવ્ર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો અને નાગરિકો પર હુમલા કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો છે. આ હુમલામાં તબરીઝ, ચાબહાર, બુશેહર અને હોરમઝગાન પ્રાંતને નિશાન બનાવવામાં આવ્યા છે.

હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે ઈરાનના અનેક શહેરોમાં જોરદાર ધડાકા સંભળાયા હતા, ત્યારબાદ ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ ત્વરિત રીતે સક્રિય કરવામાં આવી હતી. બીજી તરફ, આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે બ્રિટિશ નૌકાદળે ઓમાનના દરિયાકિનારા નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં એક મોટા વેપારી જહાજમાં ભીષણ આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે. જોકે આ ઘટના માટે કોણ જવાબદાર છે તેની તપાસ ચાલી રહી છે.

વધતી જતી અસ્થિરતાને પગલે બહેરીનની રાજધાની મનામામાં આવેલા અમેરિકી દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. ઈરાન દ્વારા મનામાના વિસ્તારોને નિશાન બનાવવાની આશંકાને ધ્યાનમાં રાખીને તમામ અમેરિકન નાગરિકોને અત્યંત સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પરના સતત જોખમો અને અમેરિકાની આક્રમક સૈન્ય નીતિને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધનું વાતાવરણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને દરિયાઈ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.