Loading Please Wait !!!
રાજકોટમાં ‘દાગીના’નો બેકાબુ હંગામો !

ખુલ્લેઆમ આતંક પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો

  • નગ્ન થવાના શોખીનને પોલીસે લીમડાનો સ્વાદ ચખાડવો જરૂરી; નહીં તો આવા કેટલાય ‘દાગીના’ રખડે છે તેઓ આવુ કૃત્ય કરતા અચકાશે નહીં
  • શહેરની છબીને ઝટકો; શહેરમાં જાહેર શિસ્ત પર ફરી સવાલ
  • રૈયા રોડ પર નશામાં ધૂત નિર્વસ્ત્ર યુવકનો હંગામો !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરને હંમેશા ગુજરાતના શાંત અને સંસ્કારી શહેરોમાં ગણવામાં આવે છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વાયરલ વીડિયોએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટી પાસે ભરબારે એક યુવકે નશાની હાલતમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ યુવક જાહેરમાં માર્ગ પર સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને ચાલતો અને વાહનો વચ્ચે હાથ હલાવીને અજીબ હરકતો કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાને કારણે રસ્તેથી પસાર થતા સામાન્ય નાગરિકો અને વાહનચાલકોમાં ભારે કૌતુકની સાથે અગવડતા સર્જાઈ હતી. જાહેર માર્ગ પરના આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા પરિવારો, મહિલાઓ અને બાળકો માટે ખૂબ જ શરમજનક સાબિત થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે રાજકોટમાં આવી ઘટના કોઈ પહેલો કિસ્સો નથી.

અગાઉ પણ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર એક યુવક નગ્ન હાલતમાં બાઈક ચલાવતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ટૂંકા ઉપરાઉપરી થવાનું એ શહેરની જાહેર શિસ્ત અને સામાજિક સુરક્ષા માટે એક મોટો ખતરો દર્શાવે છે. આ પ્રકારની ઘટનાઓ રાજકોટની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. નશામાં ધૂત તત્વોનો રસ્તા પર આ પ્રકારનો ખુલ્લેઆમ આતંક પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો ઉભા કરે છે. જાગૃત નાગરિકોમાં હવે એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે પોલીસ તંત્ર આ વીડિયોની ગંભીરતાથી નોંધ લે અને આવા અશોભનીય કૃત્યો કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાઓ પર કાયમી અંકુશ લાવી શકાય.