યુક્રેનમાં રશિયન હુમલામાં કેરળના યુવા નાવિકનું મોત
- બે મહિના પછી થવાના હતા લગ્ન, પરિવારનો એકમાત્ર આશરો છીનવાયો
- ચાર ભારતીયો સહિત 10 ક્રૂ મેમ્બર્સના મોતથી શોકનું મોજું
- કેરળના અખિલ જોયનના નિધનથી પરિવાર અને ગામમાં માતમ
સિટી ન્યુઝ @ કાસરગોડ
યુક્રેનના ઓડેસા બંદર નજીક ગિની-બિસાઉના ધ્વજ હેઠળ મકાઈ લઈને જઈ રહેલા એમવી ગોલ્ડન લિયો નામના માલવાહક જહાજ પર રશિયન દળો દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં 4 ભારતીયો સહિત 10 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં કેરળના કાસરગોડ જિલ્લાના 26 વર્ષીય નાવિક અખિલ જોયનનું પણ કરૂણ મૃત્યુ થયું છે. અખિલના આગામી બે મહિના પછી જ લગ્ન નક્કી થયા હતા અને તેઓ માત્ર એક મહિના પહેલા જ રજાઓ વિતાવીને પરત કામ પર ફર્યા હતા.
અખિલ છેલ્લાં છ વર્ષથી મર્ચન્ટ નેવીમાં સેવા આપી રહ્યા હતા અને પોતાના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. તેમના પિતા ઇલેક્ટ્રિક દુકાનમાં અને માતા વીમા એજન્ટ તરીકે કામ કરે છે. અખિલે તાજેતરમાં જ પરિવાર માટે નવું ઘર બનાવ્યું હતું. અલપ્પુઝા જિલ્લાની યુવતી સાથે તેમની સગાઈ થઈ હતી અને શિપિંગ કંપની તરફથી મોકલવામાં આવેલા ઇમેલ દ્વારા પરિવારને આ દુર્ઘટનાની જાણ થઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતાં અખિલના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે કેરળ સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નોન-રેસિડેન્ટ કેરળાઇટ્સ અફેર્સ વિભાગ (NORKA) ને રશિયન એમ્બેસી અને ભારતના વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરીને તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.