નવાગામમાંથી 19 કિલો પોષડોડાના જથ્થા સાથે રાજસ્થાની શ્રમિકની ધરપકડ
વતનમાંથી ખેપ મારી આવ્યો હતો: એસોજીએ 3.33 લાખનો મુદામાલ કબજે કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
નવાગામ જવાના રસ્તા પર આવેલી હોટલ બહારથી એસોજીએ ૧૯.૩૦૦ કિલોગ્રામ પોષડોડા સાથે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચુનારામ માલારામ જાટ (ઉ.વ.૩૭)ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોને પોષડોડા વેંચતો હોવાની કબૂલાત આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, કુવાડવા જીઆઈડીસીમાં આવેલ અમિત એગ્રીકલ્ચર નામના કારખાનામાં ચુનારામ છેલ્લા ચાર વર્ષથી કામ કરે છે. તેના વતનમાં પોષડોડાની ખેતી કરે છે. જ્યારે પણ વતન જતો ત્યારે પોષડોડાને
પાવડરના સ્વરૂપમાં લઈ આવતો હતો થોડા દિવસો પહેલા જ વતન ગયો હતો.
ત્યાંથી પોષડોડા લઈ ખાનગી ટ્રેવેલર્સની બસમાં રાજકોટ આવ્યો હતો. બસમાંથી
ઉતરતા જ પીઆઈ એન.બી.ચૌધરી અને પીએસઆઈ બી.વી.ચુડાસમાએ તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન, રૂા. ૩,૯૦૦ રોકડા વગેરે મળી રૂા.૩.૩૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પુછપરછમાં તેઓ કુવાડવા જીઆઈડીસીના મજુરોને આ પોષડોડા કે જેને અંગ્રેજીમાં પોપિસ્ટ્રો કહેવાય છે, તેવું વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે પોષડોડાનો ભૂક્કો બંધાણીઓ ચામાં અને પાનીમાં ઉકાળીને પીતા પણ હોય છે. બીજા માદક પદાર્થો કરતા તેનો ભાવ ઓછો હોવાથી શ્રમિકોને પરવડે છે. જેથી તેનું સેવન કરે છે.