પેરુમાં ભૂકંપનું તાંડવ: 5.5ની તીવ્રતાના આંચકાથી 5 ના મોત, સેંકડો બેઘર
- એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં ભારે તબાહી, માટીના મકાનો પત્તાની જેમ વિખેરાયા
- હુઆનકાયો પ્રાંતમાં વિનાશક આંચકા, 20થી વધુ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ
- કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિમી ઊંડે હોવાથી વિનાશ વધુ, તંત્ર દ્વારા રાહત કાર્યો શરૂ
સિટી ન્યુઝ @ લિમા (પેરુ)
દક્ષિણ અમેરિકાના પેરુમાં શનિવારે રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ભારે તબાહી સર્જાઈ છે. યુએસ જિઓલોજિકલ સર્વે (USGS) મુજબ, રાત્રે 9:24 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. હુઆનકાયો પ્રાંતના સિકાયા શહેર નજીક જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ ભૂકંપના કેન્દ્રબિંદુને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ 5 લોકોના મોત નીપજ્યા છે અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન એન્ડીઝ પર્વતીય વિસ્તારોમાં થયું છે. સ્થાનિક સિવિલ ડિફેન્સના વડા લુઈસ વાસ્કેજના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં બાંધકામો માટી અને કાચી ઈંટોના બનેલા હોવાથી તે ભૂકંપના આંચકા સહન ન કરી શક્યા અને ધરાશાયી થઈ ગયા હતા. પરિણામે, 300થી વધુ લોકો બેઘર બન્યા છે. ભૂકંપના કારણે અનેક સ્થાનિક ઇમારતો અને જૂના ચર્ચોને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલમાં બચાવ ટુકડીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ કરી રહી છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ છે.
પેરુ ભૌગોલિક રીતે 'રિંગ ઑફ ફાયર' વિસ્તારમાં આવતું હોવાથી અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. અગાઉ 2007માં પેરુએ 7.9ની તીવ્રતાના ભૂકંપનો વિનાશ જોયો હતો. હાલની આપત્તિને પહોંચી વળવા માટે નેશનલ સિવિલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. અસરગ્રસ્તો માટે તાત્કાલિક આશ્રયસ્થાનો અને તબીબી સહાય પહોંચાડવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે.