મિડલ ઈસ્ટમાં અમેરિકાનો ‘ચક્રવ્યૂહ’: ત્રીજું પરમાણુ શક્તિસંપન્ન એરક્રાફ્ટ કેરિયર તૈનાત, ઈરાન પર વધ્યું યુદ્ધનું જોખમ
-
USS જ્યોર્જ એચડબલ્યુ બુશ 90 લડાકુ વિમાનો સાથે પહોંચ્યું; સંરક્ષણ મંત્રીની ચેતવણી: "ઈરાન વિશ્વ માટે જોખમ હશે ત્યાં સુધી ઘેરાબંધી ચાલુ રહેશે"
-
બનાવટી ટ્રેકિંગ ડેટા અને પાકિસ્તાન-રશિયાના સહારે ઈરાને અમેરિકી નેવીને આપી થાપ; 34 જહાજોને પરત વાળ્યાનો પેન્ટાગોનનો દાવો
-
જોન્સ એક્ટ વેઈવર વધુ 90 દિવસ લંબાયું; ઈરાનના પ્રમુખ પેજેકિશ્યનનો જવાબ: "અમે વિભાજિત નથી, અમે બધા ક્રાંતિકારી ઈરાની છીએ"
વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા મધ્યપૂર્વના દરિયામાં ત્રીજું પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘USS જ્યોર્જ એચડબલ્યુ બુશ’ તૈનાત કર્યું છે. ૯૦ જેટલા લડાકુ વિમાનોને વહન કરવાની ક્ષમતા ધરાવતું આ કેરિયર આ પ્રદેશમાં અમેરિકાની હવાઈ ક્ષમતાને અનેકગણી વધારશે. પેન્ટાગોન ખાતે સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન વિશ્વ માટે જોખમ રહેશે ત્યાં સુધી અમેરિકાની આ ઘેરાબંધી ચાલુ રહેશે.
બીજી તરફ, ઈરાને અમેરિકન નાકાબંધીને તોડવા માટે અનોખી વ્યૂહરચના અપનાવી છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, ૧૩ એપ્રિલથી અત્યાર સુધીમાં ઈરાનના ૧૧ ટેન્કરો અમેરિકી લશ્કરને થાપ આપીને નિકાસ કરવામાં સફળ રહ્યા છે. ઈરાને આ માટે પાકિસ્તાની દરિયાઈ સરહદનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા છે, જ્યાં તેમણે પાક. આર્મી ચીફ અસીમ મુનીર સાથે મંત્રણા કરી હતી. પાકિસ્તાન હવે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરીને કાયમી શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી પ્રયત્નો કરી રહ્યું છે.
જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે ખાડીમાં માઈન્સ મૂકવા આવતી ઈરાની બોટોને ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી ઈરાની નેતાગીરીમાં ભારે રોષ છે. ઈરાનના પ્રમુખ પેજેકિશ્યને ટ્રમ્પના દાવાઓને ફગાવતા કહ્યું છે કે ઈરાન એકજૂથ છે અને કોઈ પણ દબાણ સામે ઝુકશે નહીં. આ તરફ કુવૈત પર ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલાઓએ ક્ષેત્રમાં અસ્થિરતા વધારી છે. અમેરિકાની આર્થિક અને સૈન્ય ઘેરાબંધી ઈરાનની નિકાસને નુકસાન પહોંચાડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ મડાગાંઠ કેવું સ્વરૂપ લેશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.