Loading Please Wait !!!
ગાંધીનગરમાં ભૂમાફિયાનો આતંક ખતમ: અધિકારીઓની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરનાર ‘ડિગો’ ચાવડા પાસા હેઠળ કચ્છની જેલમાં જેલભેગો

 

  • માણસાના પુંધરા ગામે ખનિજ વિભાગની ટીમ પર હુમલાનો પ્રયાસ પડ્યો મોંઘો- પોલીસની કડક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ

  •  નંબર પ્લેટ વગરની ગાડીઓથી ભય ફેલાવનાર આરોપીને હવે જેલની હવા ખાવી પડશે- ASP માનસી મીણાની દરખાસ્ત પર મેજિસ્ટ્રેટની મહોર

  •  મહિલા સુપરવાઈઝરનો પીછો કરી ભય ફેલાવ્યો હતો- જામીન પર છૂટ્યા બાદ ફરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા પોલીસે લીધા આકરા પગલાં

    ગાંધીનગર: માણસાના પુંધરા પંથકમાં ખનિજ માફિયાઓના વધી રહેલા ત્રાસ સામે ગાંધીનગર પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સરકારી અધિકારીઓની ફરજમાં રુકાવટ ઉભી કરી, ફિલ્મી ઢબે પીછો કરીને તેમનો જીવ જોખમમાં મૂકનાર કુખ્યાત ભૂમાફિયા દિગ્વિજયસિંહ ઉર્ફે ડિગો ચાવડાને પોલીસે પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી દીધો છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

    ગત ફેબ્રુઆરી માસમાં ખાણખનિજ વિભાગની ટીમ પુંધરા ખાતે તપાસ પૂર્ણ કરી પરત ફરી રહી હતી ત્યારે દિગ્વિજયસિંહે નંબર પ્લેટ વિનાની ગાડીઓ વડે અધિકારીઓની ખાનગી કારનો લાંબો પીછો કર્યો હતો. આરોપીએ વારંવાર હોર્ન મારી સાઈડ ન આપીને ભયાનક સ્થિતિ સર્જી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તપાસમાં ગયેલા મહિલા સુપરવાઈઝર સગુણા ઓઝાનો ઇન્ફોસિટી સુધી પીછો કરવામાં આવ્યો હતો. આ મામલે માણસા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપી જામીન પર મુક્ત થયો હતો, પરંતુ તેની ગુનાહિત હિલચાલ ચાલુ રહી હતી.

    આખરે પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બનેલા આ ભૂમાફિયાને પાઠ ભણાવવા માટે મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) માનસી મીણાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરતા જ પોલીસે દિગ્વિજયસિંહ ચાવડાની અટકાયત કરી તેને કચ્છ-ભુજની પાલારા ખાસ જેલમાં રવાના કરી દીધો છે. અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કરનારા તત્વો સામે આ એક કડક દાખલો બેસાડવામાં આવ્યો છે.