Loading Please Wait !!!
બાળકોના બાળપણને ‘અલ્ગોરિધમ’ થી બચાવવા નોર્વેનો મોટો નિર્ણય: 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

 

  • વડાપ્રધાન જોનાસ સ્ટોરે સંસદમાં લાવશે બિલ- ટેક કંપનીઓએ કરવી પડશે ઉંમરની ચકાસણી; સ્ક્રીન ટાઈમ ઘટાડવા સરકાર આક્રમક

  •  ઓસ્ટ્રેલિયા બાદ હવે યુરોપમાં પણ ‘ડિજિટલ શિસ્ત’ - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પર લટકતી તલવાર

  • ટેક જાયન્ટ્સની જવાબદારી વધશે- બાળકોની ઉંમર છુપાવવી હવે કંપનીઓ માટે પડશે ભારે; યુરોપના અન્ય દેશો પણ આ મામલે સક્રિય

    ઓસ્લો: બાળકોમાં સતત વધી રહેલા સ્ક્રીન સમય અને ઇન્ટરનેટ મીડિયાના માનસિક પ્રભાવથી ચિંતિત થઈને નોર્વે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે જાહેરાત કરી છે કે, તેમની સરકાર ટૂંક સમયમાં સંસદમાં એક એવું બિલ રજૂ કરશે જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે. આ કાયદા હેઠળ ટેક કંપનીઓને વપરાશકર્તાની ઉંમરની ચકાસણી કરવા માટે કડક જવાબદારી સોંપવામાં આવશે.

    વડાપ્રધાન સ્ટોરે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અમે બાળકોના બાળપણને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. રમતગમત, સામાજિક મિત્રતા અને સામાન્ય માનવીય વ્યવહારને અલ્ગોરિધમ અને ડિજિટલ સ્ક્રીન પર છોડી શકાય નહીં." સરકારનું માનવું છે કે અલ્ગોરિધમ દ્વારા પીરસવામાં આવતું કન્ટેન્ટ બાળકોના માનસિક વિકાસ પર નકારાત્મક અસર કરી રહ્યું છે. જો આ બિલ પસાર થશે, તો નોર્વે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થશે જેણે પોતાની નવી પેઢીને ડિજિટલ વ્યસનથી બચાવવા માટે કડક કાયદા બનાવ્યા છે.

    નોંધનીય છે કે અગાઉ ઓસ્ટ્રેલિયાએ પણ 16 વર્ષની વય મર્યાદા સાથે સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે. નોર્વેમાં પણ મેટાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, ટિકટોક, સ્નેપચેટ, યુટ્યુબ અને એલોન મસ્કના એક્સ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ આ કાયદાના દાયરામાં આવી શકે છે. ટેક કંપનીઓ આ ઉંમરની ચકાસણી કેવી રીતે કરશે તે અંગે હજુ વિગતો સ્પષ્ટ થઈ નથી, પરંતુ સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ પગલું યુરોપના અન્ય દેશો માટે પણ માર્ગદર્શક સાબિત થઈ શકે છે.