Loading Please Wait !!!
ટ્રમ્પનો ચીન અને ઈરાન પર ‘કોમ્યુનિકેશન સર્જિકલ સ્ટ્રાઈક’: 40 શિપિંગ કંપનીઓ અને દિગ્ગજ રિફાઈનરી પર અમેરિકાના પ્રતિબંધો

 

  • ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવા ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય- ચીનની ‘હિંગલી પેટ્રોકેમિકલ’ હવે અમેરિકાના નિશાના પર

  •  નાણા મંત્રી સ્કોટ બેસન્ટની ગંભીર ચેતવણી- "વચેટિયાઓ અને ખરીદદારોના નેટવર્કને મૂળમાંથી ઉખેડી નાખીશું"

  •  પ્રતિદિન 4 લાખ બેરલની ક્ષમતા ધરાવતી રિફાઈનરી પર પ્રતિબંધ- ઈરાની સેનાની કમાણી અટકાવવા અમેરિકાના આકરા તેવર

    બીજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આર્થિક તાકાતને નેસ્તનાબૂદ કરવા માટે અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય લીધો છે. અમેરિકી નાણા વિભાગે ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી સહિત ઈરાની તેલના પરિવહન સાથે જોડાયેલી અંદાજે ૪૦ જેટલી શિપિંગ કંપનીઓ અને ટેન્કરો પર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. આ પગલા દ્વારા અમેરિકા ઈરાનના મહેસૂલના મુખ્ય સ્ત્રોત એવા ઓઇલ વેપારને સંપૂર્ણપણે ઠપ કરવા માંગે છે.

    આ પ્રતિબંધોમાં સૌથી મહત્વનું નામ ચીનના ડાલિયન બંદર પર આવેલી 'હિંગલી પેટ્રોકેમિકલ' (Hengli Petrochemical) નું છે. આ રિફાઈનરી ચીનની સૌથી મોટી સ્વતંત્ર રિફાઈનરીઓમાંની એક ગણાય છે, જે દરરોજ ૪ લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાનો આરોપ છે કે આ રિફાઈનરી ૨૦૨૩થી ઈરાન પાસેથી મોટા પાયે ઓઇલ મેળવી રહી છે, જેનાથી થતી અબજો ડોલરની આવકનો ઉપયોગ ઈરાની સેના પોતાની પ્રવૃત્તિઓ માટે કરી રહી છે. હવે પ્રતિબંધોને કારણે આ રિફાઈનરી અને સંકળાયેલી શિપિંગ કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય વ્યવહારો કરવા અત્યંત મુશ્કેલ બની જશે.

    અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા વૈશ્વિક બજારમાં તેલ પહોંચાડવા માટે જે 'શેડો નેટવર્ક' (વચેટિયાઓ અને જહાજો) નો ઉપયોગ કરવામાં આવે છે, તેને તોડવાનું અમેરિકા ચાલુ રાખશે. અમેરિકાએ આ પૂર્વે જ ચીન, હોંગકોંગ, યુએઈ અને ઓમાનની બેંકોને પત્ર લખીને ઈરાન સાથે કોઈ પણ પ્રકારના વ્યાપારી સંબંધો રાખવા બદલ ગંભીર પરિણામોની ધમકી આપી હતી. હોર્મુઝ સ્ટ્રેટમાં પહેલેથી જ અમેરિકી નૌસેનાની નાકાબંધી છે, ત્યારે આ નવા આર્થિક પ્રતિબંધોથી ઈરાન ચારેબાજુથી ઘેરાઈ ગયું છે.

    રાજકીય નિષ્ણાતો માને છે કે આ પ્રતિબંધોનો સમય અત્યંત વ્યૂહાત્મક છે. આગામી થોડા અઠવાડિયામાં જ પ્રમુખ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વની મુલાકાત યોજાવાની છે. તે પહેલા ચીનની મુખ્ય રિફાઈનરી પર પ્રતિબંધ લાદીને ટ્રમ્પે ચીન પર પણ દબાણ વધાર્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક ઈંધણ બજારમાં તેલના ભાવમાં અસ્થિરતા આવવાની શક્યતા છે, પરંતુ અમેરિકાનું લક્ષ્ય કોઈપણ સંજોગોમાં ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવાનું છે.