જૂનાગઢમાં લોકશાહીનો જંગ: 8.24 લાખ મતદારો કરશે ભાવિનો ફેંસલો, 2300થી વધુ સુરક્ષા જવાનોના પહેરા વચ્ચે આવતીકાલે મતદાન
-
જિલ્લા-તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે ત્રિસ્તરીય ચૂંટણી- સવારે 7થી સાંજે 6 સુધી લોખંડી બંદોબસ્ત વચ્ચે વોટિંગ
-
ચૂંટણી કાર્ડ ન હોય તો 14 માન્ય દસ્તાવેજો ચાલશે- ગ્રીન બૂથ, પિંક બૂથ અને આદર્શ ઓલ્ડ એજ બૂથ આકર્ષણનું કેન્દ્ર બનશે
-
સેક્ટર મેજિસ્ટ્રેટ અને પોલીસ મોબાઈલ ટીમ રહેશે એક્શન મોડમાં- મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સખત પ્રતિબંધ
જૂનાગઢ: ગુજરાતમાં આવતીકાલે રવિવાર, 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આજે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની 30, તાલુકા પંચાયતની 158 અને કેશોદ નગરપાલિકાની બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સમગ્ર જિલ્લામાં 8.24 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુલભ બનાવવા માટે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે અલગ-અલગ ઈવીએમ મશીન પર જઈને મતદાન કરવાનું રહેશે. કલેક્ટરે અપીલ કરી છે કે જો કોઈ પાસે અસલ ચૂંટણી કાર્ડ ન હોય, તો આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના 14 માન્ય દસ્તાવેજો બતાવીને પણ મતદાન કરી શકાશે. મતદાન મથકો પર ગ્રીન બૂથ અને પિંક બૂથ જેવા થીમ આધારિત મથકો મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સુરક્ષાની દ્રષ્ટિએ જૂનાગઢ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 SP અને 4 DYSP ના સુપરવિઝન હેઠળ 2300 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે પોલીસ મોબાઈલ વાન અને સેક્ટર મેજિસ્ટ્રેટ સતત પેટ્રોલિંગમાં રહેશે. મતદાન મથકની અંદર મોબાઈલ કે કેમેરા લઈ જવા પર મનાઈ છે અને કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા પોલીસ તંત્રએ તાકીદ કરી છે. કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને બૂથ પર પાણી, શેડ અને દિવ્યાંગો માટે રેમ્પની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.