Loading Please Wait !!!
મુંબઈના જુહુમાં ‘લીલા બંગલો’ નો ₹221 કરોડમાં સોદો: નાણાવટી હોસ્પિટલના માલિકની મિલકત મહેશ નોટનદાસ ગ્રુપે ખરીદી

 

  • સાત દાયકા જૂનું આર્ટ ડેકો સ્ટ્રક્ચર હવે જ્વેલર્સ ગ્રુપના નામે- હેરિટેજ સ્ટેટસ ધરાવતા બંગલા માટે અનેક ધનકુબેર રેસમાં હતા

  •  ગૌતમ નાણાવટી પાસેથી નોટનદાસ રિયલ્ટીએ હસ્તગત કર્યો ‘લીલા બંગલો’- 1,355 ચોરસ મીટરના પ્લોટમાં ફેલાયેલું છે ભવ્ય સામ્રાજ્ય

  • 5,000 ચોરસ ફૂટના બગીચા અને 2,500 ચોરસ ફૂટના ટેરેસ સાથેનો આલીશાન સોદો- શહેરમાં સ્વતંત્ર બંગલાની ભારે માંગ



મુંબઈ:
દેશની આર્થિક રાજધાની મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં લક્ઝરી અને હેરિટેજ પ્રોપર્ટીની માંગ આસમાને પહોંચી છે. જુહુ તારા રોડ પર સ્થિત અને સાત દાયકા જૂનું આર્કિટેક્ચર ધરાવતો પ્રતિષ્ઠિત ‘લીલા બંગલો’ તાજેતરમાં ૨૨૧ કરોડ રૂપિયામાં વેચાયો છે. આ ભવ્ય વારસાગત મિલકતને મહેશ નોટનદાસ જ્વેલર્સ ગ્રુપની કંપની ‘નોટનદાસ રિયલ્ટી’ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં દરિયા કિનારે આવેલી આ પ્રોપર્ટી માટે અનેક હાઈ-નેટવર્થ રોકાણકારો અને ડેવલપર્સમાં ભારે સ્પર્ધા જોવા મળી હતી.

 

આ પ્રોપર્ટીનો ઈતિહાસ અને લોકેશન બંને અત્યંત મહત્વના છે. ગ્રેડ IIB હેરિટેજ દરજ્જો ધરાવતું આ માળખું આર્ટ ડેકો શૈલીમાં નિર્મિત છે. આ બંગલો અગાઉ ગૌતમ નાણાવટીની માલિકીનો હતો, જેમનો પરિવાર મુંબઈની જાણીતી નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલન સાથે સંકળાયેલો છે. ખરીદદારોમાં પિતા-પુત્રની જોડી મહેશ નોટનદાસ જગવાણી અને હર્ષ જગવાણીનો સમાવેશ થાય છે, જેઓ રિયલ્ટી ફર્મના ડિરેક્ટરો છે. આ સપ્તાહની શરૂઆતમાં સ્ટેમ્પ ડ્યુટીની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ સોદો સત્તાવાર રીતે રજીસ્ટર થયો હતો.

૧,૩૫૫ ચોરસ મીટરના પ્લોટમાં ફેલાયેલા આ ગ્રાઉન્ડ-પ્લસ-વન બંગલામાં લગભગ ૮,૪૮૦ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ વિસ્તાર છે. આ ઉપરાંત, મિલકતની શોભા વધારતા ૫,૦૦૦ ચોરસ ફૂટનો વિશાળ બગીચો અને ૨,૫૦૦ ચોરસ ફૂટનો આલીશાન ટેરેસ પણ સામેલ છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, હેરિટેજ દરજ્જા સાથે જોડાયેલા કડક નિયમો હોવા છતાં, જુહુ જેવા વિસ્તારોમાં દરિયા કિનારાની આવી સ્વતંત્ર મિલકતો મળવી અત્યંત દુર્લભ છે, જેના કારણે રોકાણકારો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર થાય છે. આ સોદો દર્શાવે છે કે મુંબઈમાં હેરિટેજ લુક અને આધુનિક લક્ઝરીનું મિશ્રણ ધરાવતી મિલકતોની કિંમત દિન-પ્રતિદિન વધી રહી છે.