Loading Please Wait !!!
ભારતીય નિકાસકારો માટે ‘લોટરી’: અમેરિકામાં ટેરિફ રદ થતા ભારતને મળશે $12 અબજનું રિફંડ, પણ પ્રક્રિયામાં છે મોટો પેચ

 

  • સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા; $166 અબજની રિફંડ પ્રક્રિયા સોમવારથી શરૂ, જાણો કેવી રીતે મળશે નાણાં

  •  એપરલ, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ સેક્ટરને સૌથી મોટો ફાયદો; રિફંડ માટે 60 થી 90 દિવસની જોવી પડશે રાહ

  • 53% ભારતીય નિકાસ પર નંખાયા હતા ઊંચા ટેરિફ; હવે આયાતકાર સમક્ષ રજૂઆત કરવી પડશે અનિવાર્ય

     

    વોશિંગ્ટન: અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના ટેરિફને ગેરકાયદે ઠેરવીને તે રદ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. આ નિર્ણયને પગલે અમેરિકન સરકાર દ્વારા વસૂલવામાં આવેલા આશરે $૧૬૬ અબજનું રિફંડ આપવાની પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવી છે. આમાં ભારતીય નિકાસકારોનો હિસ્સો $૧૨ અબજ (આશરે ₹૧ લાખ કરોડ) જેટલો થાય છે.

    સીધું રિફંડ નહીં મળે, આયાતકારનો લેવો પડશે સહારો ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય નિકાસકારો આ રકમ સીધી ટ્રમ્પ તંત્ર પાસેથી મેળવી શકશે નહીં. તેનું કારણ એ છે કે અમેરિકાના કસ્ટમ્સ વિભાગે આ ટેરિફ ત્યાંના આયાતકારો પાસેથી વસૂલ્યા હતા. તેથી, ભારતીય નિકાસકારોએ તેમના અમેરિકન આયાતકારો સાથે થયેલી વેપાર સમજૂતી મુજબ રિફંડ માટે દાવો કરવો પડશે અને આયાતકાર પાસેથી નાણાં પરત મેળવવાના રહેશે.

    કયા સેક્ટરને કેટલું રિફંડ મળશે? અમેરિકા દ્વારા ભારતની કુલ નિકાસના ૫૩ ટકા માલસામાન પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા હતા. રિફંડની રકમનું વિશ્લેષણ નીચે મુજબ છે:

    • એપરલ અને ટેક્સટાઈલ: આશરે $૪ અબજ (સૌથી વધુ અસરગ્રસ્ત).

    • એન્જિનિયરિંગ ગુડ્સ: આશરે $૪ અબજ.

    • કેમિકલ્સ: આશરે $૨ અબજ.

    સમયમર્યાદા અને પાત્રતા અમેરિકામાં અંદાજે ૩.૩૦ લાખ આયાતકારો આ રિફંડ મેળવવા માટે પાત્ર છે. જોકે, આ રકમ તાત્કાલિક નહીં મળે. વહીવટી પ્રક્રિયાને કારણે રિફંડ મળતા ૬૦ થી ૯૦ દિવસનો સમય લાગી શકે છે અથવા તેનાથી પણ વધુ વિલંબ થઈ શકે છે. ભારતીય નિકાસકારોએ રિફંડ મેળવવા માટે તેમના આયાતકારો સમક્ષ અત્યારથી જ દસ્તાવેજી રજૂઆતો શરૂ કરવી પડશે.