ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: "મને મારવાની કોશિશ કરી તો ઈરાનને તબાહ કરી દઈશું"
- 1000 મિસાઈલો ટાર્ગેટ પર હોવાનો ટ્રમ્પનો દાવો, જવાબી કાર્યવાહીના આદેશ અપાયા
- ઇઝરાયલમાંથી F-22 ફાઇટર જેટ પાછા ખેંચાયા, વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું
- હુમલો થયો તો ઈરાનનો વિનાશ નિશ્ચિત: ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન દ્વારા તેમની હત્યાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો તેનો જવાબ અત્યંત ભયાનક હશે. 'ટ્રુથ સોશિયલ' પર આપેલા નિવેદનમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પર 1000 મિસાઈલો ટાર્ગેટ કરીને તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડ્યે હજારો વધારાની મિસાઈલો છોડવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરવા માટેના જવાબી કાર્યવાહીના આદેશો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે.
દરમિયાન, ઇઝરાયલના મીડિયા 'કાન ન્યૂઝ'ના અહેવાલ મુજબ, અમેરિકાએ ઇઝરાયલના ઓવદા એરબેઝ પર તૈનાત તેના 12 F-22 સ્ટેલ્થ ફાઇટર જેટ વિમાનો પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. આ વિમાનો ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય અભિયાન માટે તૈનાત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે પણ વળતી ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇઝરાયલ તેના મહત્વના ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.
આ તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધશે, તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે અને લાંબા સમય સુધી ઉર્જા સંકટ સર્જાઈ શકે છે. દરમિયાન, રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આરોપ લગાવ્યો છે કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની અમેરિકા અને ઇઝરાયલની આક્રમક નીતિઓને સમર્થન આપી રહ્યા છે. કતારે બંને દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા તણાવ ઘટાડવા અપીલ કરી છે.