Loading Please Wait !!!
૪૦ વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮ મોટા કરાર

  • PM મોદીની મુલાકાત બાદ સંબંધો 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'ના સ્તરે, સંરક્ષણ અને વેપારમાં મોટો સહયોગ
  • ૨૦૩૦ સુધીમાં ૭ અબજ ડોલરના વેપારનું લક્ષ્ય, ઇન્ડો-પેસિફિકમાં સુરક્ષા કિલ્લાબંધી
  • ૧૦ MoU અને ૮ જાહેરાતો સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય શરૂ

સિટી ન્યુઝ @ ઓકલેન્ડ

આશરે ૪૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત બંને દેશો માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ઓકલેન્ડમાં પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કુલ ૧૮ મોટા કરારો અને જાહેરાતો પર સહમતી સધાઈ છે, જેમાં ૧૦ MoU અને ૮ મહત્ત્વની જાહેરાતોનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક ભાગીદારીને હવે 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો દરજ્જો મળ્યો છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવામાં મદદરૂપ થશે.

સંરક્ષણ ક્ષેત્રે સૌથી મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં બંને દેશોની નૌસેનાઓ પરસ્પર લોજિસ્ટિક સપોર્ટ આપવા અને ગુપ્ત માહિતી શેર કરવા સહમત થઈ છે. દરિયાઈ સુરક્ષા માટે હાઇડ્રોગ્રાફી ડેટા શેરિંગ અને સંયુક્ત સૈન્ય અભ્યાસનો પણ કરારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આતંકવાદનો સામનો કરવા માટે 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ'ની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, આર્થિક મોરચે ૨૦૩૦ સુધીમાં ૭ અબજ ન્યૂઝીલેન્ડ ડોલરનો દ્વિપક્ષીય વેપાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેનો માર્ગ મોકળો કરશે.

કૃષિ અને ડેરી ક્ષેત્રે 'કીવીફ્રૂટ એક્શન પ્લાન' હેઠળ નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં બે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' સ્થાપવામાં આવશે. ન્યૂઝીલેન્ડે ભારતના 'ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવ' (IPOI) અને 'ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ'માં સામેલ થવાની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા 'નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ'માં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે. અન્ટાર્કટિકા રિસર્ચ અને ક્લીન એનર્જી ક્ષેત્રે થયેલી આ ભાગીદારી ઇન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક સ્થિરતા અને ચીન સામેની મજબૂત કિલ્લાબંધી તરીકે જોવામાં આવી રહી છે.