Loading Please Wait !!!
BSNLએ સેટેલાઈટ ફોન લોન્ચ કર્યો

1.34 લાખના ફોનથી નેટવર્ક વગરના વિસ્તારોમાં પણ થશે કોલિંગ, DoTની મંજૂરી ફરજિયાત

  • ડિફેન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માઈનિંગ અને દુર્ગમ વિસ્તારો માટે ખાસ તૈયાર કરાયો

  • લાંબી બેટરી, SOS ફીચર અને નેટવર્ક વિનાના વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી મળશે

સીટી ન્યૂઝ@જયપુર

દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે એવા વિસ્તારો માટે નવો સેટેલાઈટ ફોન લોન્ચ કર્યો છે, જ્યાં મોબાઈલ ટાવરનું નેટવર્ક ઉપલબ્ધ નથી. ૧,૩૪,૧૯૯ રૂપિયાની કિંમત (ટેક્સ સહિત) ધરાવતો આ ફોન સીધો સેટેલાઈટ સાથે જોડાઈને કોલિંગની સુવિધા આપે છે. જોકે, આ ફોન ખરીદવા અથવા ઉપયોગ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

સામાન્ય મોબાઈલ ફોન નજીકના મોબાઈલ ટાવર સાથે જોડાય છે, જ્યારે આ સેટેલાઈટ ફોન સીધો સેટેલાઈટ સાથે કનેક્ટ થાય છે. તેથી જ્યાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોય ત્યાં પણ વોઈસ કોલ કરી શકાય છે. ઈમરજન્સી વખતે અને દુર્ગમ વિસ્તારોમાં આ ફોન ખાસ ઉપયોગી બની શકે છે. બીએસએનએલના જણાવ્યા અનુસાર આ ફોન સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર ઈનમારસેટ (Inmarsat) સહિતની એજન્સીઓ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે.

બીએસએનએલના જણાવ્યા મુજબ આ ફોનમાં મોબાઈલ નેટવર્ક ન હોય તેવા વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી મળશે.

આ ફોન સામાન્ય સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવ્યો નથી. બીએસએનએલના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ મુખ્યત્વે ડિફેન્સ, મેરિટાઈમ ઓપરેશન્સ, ડિઝાસ્ટર રિસ્પોન્સ, માઈનિંગ, દૂરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓ, દુર્ગમ વિસ્તારોમાં યાત્રા કરતા શ્રદ્ધાળુઓ અને એડવેન્ચર ટ્રાવેલ માટે કરવામાં આવશે. આ સેટેલાઈટ ફોનની કિંમત ૧,૩૪,૧૯૯ રૂપિયા છે. બીએસએનએલે સ્પષ્ટ કર્યું છે કે ફોન ખરીદવા અથવા તેનો ઉપયોગ કરવા પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. મંજૂરી વગર સેટેલાઈટ ફોન રાખવો અથવા તેનો ઉપયોગ કરવો ભારતીય નિયમો મુજબ ગુનો બની શકે છે. સેટેલાઈટ ફોન અંગે વધુ માહિતી માટે લોકો નજીકની બીએસએનએલ ઓફિસનો સંપર્ક કરી શકે અથવા ૯૭૯૮૮૬૬૧૫૨ નંબર પર માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ સમગ્ર દેશમાં પોતાનું નેટવર્ક વિસ્તારી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે દેશમાં લગભગ ૯૯,૦૦૦ ૪જી સાઈટ્સ શરૂ કરવામાં આવી છે અને સરકાર દ્વારા બીએસએનએલને વધુ ૪જી સાઈટ્સ સ્થાપવાની મંજૂરી આપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

શું છે ખાસિયત?

આ ફોન મોબાઈલ ટાવર પર આધારિત નથી, પરંતુ સીધો સેટેલાઈટ સાથે જોડાય છે. જેના કારણે મોબાઈલ નેટવર્ક ન હોય તેવા વિસ્તારોમાં પણ વોઈસ કોલિંગ અને SOS ઈમરજન્સી મેસેજ મોકલી શકાય છે. ફોનની કિંમત ૧,૩૪,૧૯૯ છે અને તેને ખરીદવા કે વાપરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.