Loading Please Wait !!!
ઉમરાળી-ગઢકામાં સરકારી જમીનના દબાણ હટાવવાનો આદેશ

કરોડોની જમીન ખાલી કરવા મામલતદારનો હુકમ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ તાલુકાના ઉમરાળી અને ગઢકા ગામમાં કરોડોની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તાલુકા મામલતદારે કડક કાર્યવાહી કરતાં દબાણ દૂર કરવાનો આદેશ કર્યો છે. બંને કેસમાં દબાણકર્તાઓને દંડ ફટકારી નિયત સમયમર્યાદામાં જમીન ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. મામલતદાર ડી. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા કેસમાં ઉમરાળી ગામના રે.સ. નં. ૨૨૨ પૈકીની આશરે ૧,૯૮૫ ચોરસ મીટર સરકારી જમીન પર રામભાઈ હદાભાઈ ચાવડાએ બિનઅધિકૃત રીતે ખેતી માટે દબાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સરકાર તરફે સર્કલ અધિકારીએ તપાસ અહેવાલ રજૂ થયા બાદ સામાવાળા માલિકના કોઈ આધારભૂત પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

જ્યારે મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ રૂ.૨,૩૦૩નો દંડ ફટકારી તાત્કાલિક દબાણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જમીનની બજાર કિંમત રૂ. ૧ કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. બીજા કેસમાં ગઢકા ગામના સર્વે નં.૪૪૬ આશરે ૨ એકર સરકારી જમીન પર અસલમભાઈ અલારખાભાઈ ઓઠિયા અને આરીફભાઈ અલારખાભાઈ ઓઠિયાએ વર્ષ ૨૦૨૧થી ગેરકાયદે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

મામલતદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ બંને દબાણકર્તાઓને રૂ.૫,૦૯૯ લેખે કુલ રૂ.૧૦,૧૯૮નો દંડ ફટકારી જમીન તાત્કાલિક અસરથી ખાલી કરવાનો હુકમ કર્યો છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. ૨ થી ૩ કરોડ હોવાનું જણાવાયું છે. મામલતદાર કે. એચ. મકવાણાએ હુકમમાં જણાવ્યું છે કે જો નિયત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.