Loading Please Wait !!!
બહામાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે ગમખ્વાર પ્લેન દુર્ઘટના

સેસ્ના ૪૦૨ વિમાન ક્રેશ થતા ૧૦ લોકોના કરુણ મોત, ફ્લેમિંગો એરની સેવાઓ સ્થગિત

નાસાઉથી સાન એન્ડ્રોસ જતું વિમાન ઉત્તર એન્ડ્રોસ નજીક ખાબક્યું

ગંભીર ઈજા પામેલા એકમાત્ર બચી ગયેલા મુસાફરે પણ દમ તોડ્યો

આંતરરાષ્ટ્રીય સમાચાર @ બહામાસ

કેરેબિયન ટાપુ દેશ બહામાસમાં આઝાદીના પર્વની ઉજવણીનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો છે. શુક્રવારે રાજધાની નાસાઉના 'લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક' પરથી ઉડાન ભરનાર 'ફ્લેમિંગો એર'નું સેસ્ના ૪૦૨ (Cessna 402) વિમાન ઉત્તર એન્ડ્રોસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ કરુણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૧૦ મુસાફરોના મોત નીપજ્યા છે. શરૂઆતમાં એક મુસાફર જીવિત હોવાની માહિતી મળી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો.

બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માત બાદ બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી (AAIA) દ્વારા તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સલામતીના પગલા તરીકે બહામાસ સરકાર દ્વારા 'ફ્લેમિંગો એર'ની તમામ ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

હજુ સુધી તમામ મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસકર્તાઓ વિમાનના બ્લેક બોક્સ અને અન્ય તકનીકી ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં આઝાદીની ઉજવણીને ગમગીન બનાવી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.