મધ્ય-પૂર્વમાં જંગના ડમરી: અમેરિકાના હુમલામાં ઈરાનમાં ૧૪ના મોત
બુશેહર અને ચોગાદકમાં ૬ બોમ્બ બ્લાસ્ટ, ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે વ્યૂહાત્મક ચર્ચા
બુશહર ચોગાદકમાં 6 બોમ્બ બ્લાસ્ટ, સેન્ટકોમનું રહસ્યમય મૌન
મશહદનો રેલ સંપર્ક તૂટ્યો, 78 ઘાયલ, ખામેનેઈ દફન બાદ તણાવ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા ત્રણ કોમર્શિયલ જહાજો પર કરાયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન સામે પૂર્ણપણે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના ઈરાનના વિવિધ વ્યૂહાત્મક સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહી છે. દક્ષિણ ઈરાનના કોનારકમાં આવેલા ઈરાની નૌસેનાના મહત્ત્વના ઠેકાણા પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે અને ૭૮ લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. આ હુમલાના કારણે મશહદનો રેલ સંપર્ક પણ ખોરવાઈ ગયો છે.
ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, બુશેહર અને ચોગાદક શહેરોમાં છ જેટલા પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયા છે. સરકારી અધિકારીઓએ બુશેહરની બહાર આવેલા સૈન્ય અડ્ડા પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા મિસાઈલ હુમલા થયા હોવાની પુષ્ટિ કરી છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ તાજા હુમલાઓ અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે, પરંતુ ગલ્ફ વિસ્તારમાં અમેરિકન ફાઈટર જેટ્સની સતત અવરજવર જોવા મળી રહી છે.
આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ક્ષેત્રની સુરક્ષા અને આપસી વ્યૂહનીતિ અંગે ચર્ચા કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે થયેલો ‘ઇસ્લામાબાદ એમઓયુ’ હવે સમાપ્ત થઈ ગયો છે. નેતન્યાહૂએ ઈઝરાયલની સરહદોની સુરક્ષા માટે 'સિક્યોરિટી ઝોન'ને અનિવાર્ય ગણાવ્યો છે. ટ્રમ્પની કડક ચેતવણી બાદ અમેરિકન સેનાએ બંદર અબ્બાસ અને સીરિક સહિતના અનેક વિસ્તારોમાં હુમલા તેજ કરી દીધા છે, જેનાથી સમગ્ર મધ્ય-પૂર્વમાં યુદ્ધનું વાતાવરણ વધુ ઘેરૂ બન્યું છે.