અભિનેતા શેખર સુમનના બિઝનેસ પાર્ટનર પર EDનો સપાટો
- વિદેશી સંપત્તિ અને ફેમાના ઉલ્લંઘન મામલે ધર્મેશ સાંગાણીના ઠેકાણાઓ પર દરોડા
- યુએસએ-યુકેમાં અઘોષિત સંપત્તિ અને ઓફશોર ખાતાઓનો પર્દાફાશ
- ફેમાના ઉલ્લંઘન અને વિદેશી રેમિટન્સમાં ગોટાળાનો આરોપ
સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પીઢ અભિનેતા શેખર સુમનના બિઝનેસ પાર્ટનર ધર્મેશ નરેન્દ્ર સાંગાણી અને તેની કંપની 'કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ'ના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસમાં યુએસએ, કેનેડા અને યુએઈમાં અનેક અઘોષિત વિદેશી સંપત્તિઓ, ઓફશોર બેન્ક ખાતાઓ અને અવાસ્તવિક વિદેશી રેમિટન્સના કૌભાંડનો ખુલાસો થયો છે. એજન્સીનો આરોપ છે કે કંપનીએ કાયદેસર રીતે મંજૂર સમયમર્યાદામાં નિકાસની રકમ ભારતમાં મેળવી નથી, જે ફેમાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
સર્ચ ઓપરેશન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ધર્મેશ સાંગાણીએ પુરાવા નષ્ટ કરવાના ઈરાદે પોતાનો મોબાઈલ ફોન ઈમારતના ૧૩મા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે, આ ફોન મળી આવ્યો છે અને હવે સાયબર તથા ફોરેન્સિક નિષ્ણાતો તેની તપાસ કરી રહ્યા છે. આ કૃત્ય બદલ મુંબઈ પોલીસમાં તેમની સામે પુરાવાનો નાશ કરવાનો અલગથી કેસ પણ નોંધવામાં આવ્યો છે. અગાઉ ૨૦૧૯માં પણ સાંગાણી યુકે બોર્ડર ફોર્સ દ્વારા સોનાની દાણચોરીના મામલે વિવાદોમાં રહ્યા હતા.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, કંપનીએ નિકાસના વ્યવહારોમાં શિપિંગ બિલમાં દર્શાવેલા ખરીદદારને બદલે તૃતીય-પક્ષ એન્ટિટી પાસેથી નિકાસ આવક મેળવી હતી, જેની જાણકારી કોઈ પણ સત્તાવાર અધિકારીઓને આપવામાં આવી ન હતી. કેનેડાની એક બેનામી કંપની અને યુએઈની પેઢીમાં પણ સાંગાણીના રહસ્યમય વ્યવહારો હોવાનું બહાર આવ્યું છે. હવે ED આ તમામ ઓફશોર વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી ભારતમાં લાવવાના બાકી રહેલા નાણાં અને વિદેશમાં છુપાયેલી સંપત્તિની સંપૂર્ણ વિગતો મેળવી શકાય.