Loading Please Wait !!!
DDOએ મોવિયાના સરપંચને સસ્પેન્ડ કર્યા, 14.50 લાખની ગેરરીતિનો આક્ષેપ

 

ખાનગી સંસ્થાઓને પંચાયત ભંડોળમાંથી દાન આપવાના મામલે જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહી; પંચાયતી નિયમોના ભંગની તપાસમાં પુષ્ટિ

સીટી ન્યૂઝ@રાજકોટ

ગોંડલ તાલુકાના મોવિયા ગ્રામ પંચાયતમાં સરકારી ભંડોળના દુરુપયોગ અંગે પંચાયતી રાજના નિયમોના ભંગના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચ કંચનબેન ખૂંટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. સત્તાવાર તપાસમાં પંચાયતના સ્થળપંચમાંથી ખાનગી સંસ્થાઓને નિયમો વિરુદ્ધ કુલ રૂ.૧૪.૫૦ લાખનું દાન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

તપાસ મુજબ સરપંચે પંચાયત બેઠકમાં યોગ્ય પ્રક્રિયા અને મંજૂરી વિના ગુજરાત પાટીદાર ગોસેવા જીવદયા સંચાલિત પાંજરાપોળને રૂ.૧૨.૫૦ લાખનું દાન મંજૂર કર્યું હતું. વિકાસલક્ષી કામો માટે ભંડોળનો ઉપયોગ ખાનગી સંસ્થાને મંજૂરી વિના કરવામાં આવ્યો હોવાનું નોંધાયું છે.

આ ઉપરાંત રાજકોટ સ્થિત નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંકને બે વાઉચર મારફતે રૂ.૨ લાખનું દાન ચૂકવવાનું ઓડિટમાં બહાર આવ્યું છે. ૧૨ જૂન, ૨૦૨૩ અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રૂ.૧-૧ લાખના વાઉચર પાસ કરવામાં આવ્યા હતા.

તપાસ અહેવાલમાં સરપંચની કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ તથા નાણાકીય નિયમોના ભંગ સમાન હોવાનું જણાવાયું છે. જરૂરી પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ નોંધાયું છે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરપંચે દુરુપયોગ કરી સરકારી નાણાંને નુકસાન પહોંચાડ્યું હોવાથી તેમને પદ પર રાખવું યોગ્ય નથી. તેથી કંચનબેન ખૂંટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કંચનબેન ખૂંટ અગાઉ જાન્યુઆરી ૨૦૨૪માં રાજીનામાને લઈને ચર્ચામાં આવ્યા હતા. હવે આ કાર્યવાહીથી ગોંડલ તાલુકાના સ્થાનિક રાજકારણમાં ફરી ચર્ચા તેજ બની છે.