ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને 72 કલાકનું અલ્ટીમેટમ:
-
રશિયા સાથે ઈરાનની નિકટતાથી ટ્રમ્પ લાલઘૂમ- ઓઈલ નિકાસ રોકવા અમેરિકાના વિનાશક પ્લાનથી વિશ્વના બજારમાં ખળભળાટ
-
વિદેશમંત્રી અરાઘચીની મોસ્કો મુલાકાતે વધાર્યું તેલ- સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરનો પાકિસ્તાન પ્રવાસ રદ; યુદ્ધના એંધાણ
-
પુતિન સાથે મંત્રણા કરવા પહોંચેલા ઈરાની વિદેશમંત્રીથી ટ્રમ્પ નારાજ- ઈરાને મોકલેલો સુધારેલો પ્રસ્તાવ શું યુદ્ધ રોકી શકશે?
વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનીખેજ ઈન્ટરવ્યૂમાં ઈરાનને સીધી ધમકી આપી છે કે જો આગામી 72 કલાકમાં કોઈ સમજૂતી નહીં થાય, તો ઈરાનની મુખ્ય ઓઈલ પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટો કરવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદને સમગ્ર વિશ્વના ઓઈલ બજારમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ઈરાન પહેલાથી જ દરિયાઈ નાકાબંધીને કારણે જહાજો દ્વારા તેલની નિકાસ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.
આ વિવાદનું મુખ્ય કારણ ઈરાનની રશિયા સાથે વધતી જતી નિકટતા માનવામાં આવી રહી છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાન અને ઓમાનની મુલાકાત બાદ હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મંત્રણા કરવા મોસ્કો પહોંચ્યા છે. ટ્રમ્પ આ વાતથી અત્યંત નારાજ છે કે ઈરાન અમેરિકાને બદલે રશિયાની મધ્યસ્થી ઈચ્છે છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના વાટાઘાટકારો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હવે મંત્રણા માટે ઈસ્લામાબાદ જશે નહીં. ટ્રમ્પે જણાવ્યું કે, "જે પણ વાત કરવી હોય તે હવે ફોન પર જ થશે, અમે કોઈ પ્રતિનિધિ મંડળ મોકલવાના નથી."
ઈરાને ટ્રમ્પના આ વલણ સામે પોતાનો બીજો સુધારેલો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હોવાનો દાવો કર્યો છે, જોકે ટ્રમ્પે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સંમતિ આપી નથી. ઉલ્લેખનીય છે કે 11 અને 12 એપ્રિલના રોજ યોજાયેલી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પ વધુ આક્રમક બન્યા છે. બીજી તરફ, વ્હાઈટ હાઉસ ડિનર દરમિયાન થયેલી ફાયરિંગની ઘટના પર ઈરાન દ્વારા શેર કરવામાં આવેલા એનિમેટેડ વીડિયો અને મજાકે પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
વિશ્વભરના ટ્રેડ એનાલિસ્ટો માની રહ્યા છે કે જો આગામી 3 દિવસમાં કોઈ નક્કર પરિણામ નહીં આવે, તો મધ્ય-પૂર્વમાં ઓઈલ યુદ્ધ શરૂ થઈ શકે છે. જો ઈરાનની પાઈપલાઈનોને નુકસાન પહોંચશે, તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની અસર ભારત સહિત અનેક દેશોના અર્થતંત્ર પર પડશે. ઈરાનનું કહેવું છે કે તેઓ રશિયામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે મજબૂત પક્ષ રજૂ કરશે, પરંતુ ટ્રમ્પની ‘ઓઈલ વિસ્ફોટ’ની ધમકીએ તેહરાન પર દબાણ વધારી દીધું છે.