જાપાનમાં કુદરતનો પ્રકોપ: હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, વહેલી સવારે ધ્રુજી ઉઠી ધરતી
-
વહેલી સવારે 5:24 કલાકે ત્રાટક્યો ભૂકંપ- જાપાનીઝ સ્કેલ પર 5+ ની તીવ્રતા; જાનમાલના નુકસાન અંગે હજુ તપાસ ચાલુ
-
સુનામીની ચેતવણી નથી, છતાં પ્રશાસન હાઈ-એલર્ટ પર- આગામી 72 કલાક માટે ‘આફ્ટરશોક્સ’ નો ભય; લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
-
ભારતીય સમય મુજબ રાત્રે 01:54 વાગ્યે આવ્યો ભૂકંપ- હવામાન વિભાગની સતર્ક રહેવા સલાહ; સુનામીના મોજા ઉછળવાની શક્યતા નહિવત
ટોક્યો : જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં આજે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ છે, જેના કારણે ગાઢ નિદ્રામાં રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 5:24 વાગ્યે આવ્યો હતો. મધ્ય ટોકાચી ક્ષેત્રમાં ભૂકંપની અસર સૌથી વધુ જોવા મળી હતી, જ્યાં જાપાનીઝ ઇન્ટેન્સિટી સ્કેલ પર તેની તીવ્રતા ‘5+’ નોંધવામાં આવી છે.
રાહતની વાત એ છે કે, આ શક્તિશાળી ભૂકંપ બાદ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પ્રશાંત મહાસાગરના કાંઠે આવેલા વિસ્તારોમાં પણ હાલમાં સ્થિતિ સામાન્ય છે. જાપાનના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના પ્રાથમિક અહેવાલો મળ્યા નથી. જોકે, ભૂકંપ એટલો જોરદાર હતો કે ઘણી બિલ્ડિંગોમાં રાખેલો સામાન નીચે પડી ગયો હતો અને વીજ પુરવઠો પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.
જાપાન ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી અહીં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, ગત 20 એપ્રિલના રોજ જ ઉત્તરી જાપાનમાં 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઈવાતે પ્રાંતના કુજી બંદર પર 80 સેમી ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા. આ ઘટનાના માત્ર થોડા દિવસો બાદ ફરી 6.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આગામી થોડા દિવસો સુધી આવનારા સંભવિત 'આફ્ટરશોક્સ' (ભૂકંપ પછીના હળવા ઝટકા) માટે સતર્ક રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા હોવાથી સાવચેતી રાખવા જણાવાયું છે. જાપાનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હાલમાં સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટી માટે સેનાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.