Loading Please Wait !!!
ઈરાનનો નવો માસ્ટરસ્ટ્રોક:

 

  • પાકિસ્તાન મારફતે વ્હાઇટ હાઉસને મોકલ્યો નવો પ્રસ્તાવ- શું આર્થિક રાહત મેળવવા ઈરાને ખેલ્યો પરમાણુ દાવ?

  •  અબ્બાસ અરાઘચીના સંકેતથી વોશિંગ્ટનમાં ખળભળાટ- યુરેનિયમ સંવર્ધન મુદ્દે ઈરાની નેતાઓમાં આંતરિક કલહ ચરમસીમાએ

  •  પરમાણુ નિર્ણયો હાલ પેન્ડિંગ રાખવા ઈરાનની જીદ- ડોનાલ્ડ ટ્રમ્પની ‘ઓઇલ ડિપ્લોમસી’ સામે ઈરાનનો ‘હોર્મુઝ’ કાર્ડ

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના બે મહિના બાદ આખરે શાંતિ વાટાઘાટોમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ઈરાને પાકિસ્તાન મારફતે વ્હાઇટ હાઉસને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં તેણે વિશ્વના સૌથી વ્યૂહાત્મક વેપારી માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને ફરીથી ખોલવાની તૈયારી દર્શાવી છે. જોકે, આ ઓફર સાથે ઈરાને એક મોટી શરત જોડી છે કે તે પરમાણુ હથિયારો અંગેની ચર્ચા હાલ કરવાને બદલે ભવિષ્ય પર ટાળવા ઈચ્છે છે. ઈરાનનો સ્પષ્ટ સંદેશ છે કે પહેલા દરિયાઈ સંકટ ઉકેલાય અને અમેરિકા નાકાબંધી હટાવે, ત્યારબાદ જ પરમાણુ મુદ્દે વાત થશે.

    વૈશ્વિક નિષ્ણાતોના મતે ઈરાનનો આ નવો દાવ તેની આર્થિક કમર તૂટતી બચાવવા માટેની વ્યૂહરચના છે. અહેવાલો મુજબ, ઈરાની નેતૃત્વમાં પરમાણુ નીતિને લઈને આંતરિક કલહ ચાલી રહ્યો છે. વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યા છે કે યુરેનિયમ સંવર્ધન ઘટાડવા બાબતે દેશના તમામ નેતાઓ એકમત નથી. આ પરિસ્થિતિમાં ઈરાન પરમાણુ નિર્ણયોને હાલ પૂરતા ટાળીને માત્ર આર્થિક રાહત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રસ્તાવમાં લાંબા સમય સુધી સીઝફાયર જાળવી રાખવાની અને તેને કાયમી શાંતિમાં ફેરવવાની તૈયારી પણ બતાવાઈ છે.

    બીજી તરફ, ઈરાનની આ દરખાસ્તે વોશિંગ્ટનની ચિંતામાં વધારો કર્યો છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે જો પરમાણુ કરાર પહેલા નાકાબંધી હટાવી લેવામાં આવે, તો ઈરાન પર દબાણ લાવવાની તેમની સર્વોચ્ચ શક્તિ છીનવાઈ જશે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન કાયમી ધોરણે યુરેનિયમ સંવર્ધન બંધ કરે. પાકિસ્તાન, ઇજિપ્ત, તૂર્કીયે અને કતાર જેવા દેશો આ મામલે મધ્યસ્થી કરી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે.

    ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો ઈરાન નમશે નહીં તો તેનું ઓઇલ તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગશે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ક્રૂડ ઓઇલ સપ્લાયનો ૨૦ ટકા હિસ્સો ધરાવે છે, તેથી આ માર્ગનું ખુલવું વૈશ્વિક અર્થતંત્ર માટે રાહત સમાન બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ આર્થિક રાહત આપીને પરમાણુ મુદ્દાને ભવિષ્ય પર ટાળવાની ઈરાનની ઓફર સ્વીકારે છે કે પછી નાકાબંધી વધુ સખત બનાવે છે