ઈરાને પાકિસ્તાનનો ‘ભાવ’ પૂછ્યો: "પાકિસ્તાન ટ્રમ્પ સામે ઝૂકે છે, મધ્યસ્થી લાયક નથી", ઈરાની સાંસદના પ્રહારથી ખળભળાટ
-
પડોશી દેશ તરીકે પાકિસ્તાન ભલે સારું પણ તટસ્થતામાં શૂન્ય- અમેરિકાના એજન્ડાને આગળ વધારતો હોવાનો ઈરાનનો ગંભીર આક્ષેપ
-
અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત નથી- ઇબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાની નેતૃત્વની ફજેતી કરી
-
અધૂરી કમિટમેન્ટ્સ પર મૌન કેમ? લેબનાન અને ઈરાનની અટકાવેલી સંપત્તિના મુદ્દે પાકિસ્તાનનો અમેરિકા પ્રત્યેનો ડર સામે આવ્યો
ઈસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને રાજકીય તણાવને શાંત કરવાના પાકિસ્તાનના પ્રયાસો પર ઈરાને પાણી ફેરવી દીધું છે. ઈરાની સંસદના સુરક્ષા પંચના પ્રવક્તા અને સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાન એક પડોશી તરીકે ભલે સારું હોય, પરંતુ મધ્યસ્થી તરીકે તે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. રેઝાઈના મતે, પાકિસ્તાન ક્યારેય નિષ્પક્ષ રહી શકે તેમ નથી કારણ કે તે હંમેશા અમેરિકાના એજન્ડાને અનુસરે છે.
સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢતા રેઝાઈએ લખ્યું હતું કે, પાકિસ્તાન અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત કરતું નથી અને હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પ સામે નમતું જોખે છે. તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં પણ અમેરિકાએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા શાંતિ પ્રસ્તાવોનો સ્વીકાર કર્યા બાદ પીછેહઠ કરી હતી, તેમ છતાં પાકિસ્તાને કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો. આ ઉપરાંત લેબનાન સંકટ અને ઈરાનની અબજો ડોલરની અટકાવેલી સંપત્તિ બાબતે પણ પાકિસ્તાન અમેરિકાની અધૂરી કમિટમેન્ટ્સ પર મૌન સેવી રહ્યું છે.
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તાજેતરમાં જ પાકિસ્તાનના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનનો પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયા બાદ હવે ઈરાનના આ આકરા વલણે શાંતિ વાટાઘાટોને અધ્ધરતાલ કરી દીધી છે. ઈરાન સ્પષ્ટપણે માને છે કે પાકિસ્તાન મધ્યસ્થીના બહાને માત્ર વોશિંગ્ટનના હિતોની રક્ષા કરી રહ્યું છે. આ રાજદ્વારી મડાગાંઠને કારણે આગામી દિવસોમાં મધ્ય-પૂર્વની સ્થિતિ વધુ સ્ફોટક બને તેવી શક્યતા છે.