Loading Please Wait !!!
સલમાન ખાનનો ફરી ‘ઈદ’ કાર્ડ: નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ 2027 પર રિલીઝ થશે, શું નસીબ સાથ આપશે?

 

  • ફ્લોપ ફિલ્મોના સિલસિલા વચ્ચે ભાઈજાનનો જૂનો દાવ- સ્ક્રિપ્ટ કરતા રિલીઝ ડેટ પર વધુ ભરોસો; વામશી પેડિપલ્લી કરશે ડિરેક્શન

  •  આમિર કે શાહરૂખ જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ સલમાન હવે સાઉથના ડિરેક્ટરના શરણે- નયનતારા સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ

  •  વર્ષોથી મોટી હિટ માટે ફાંફા મારતા સલમાન ખાનની નવી રણનીતિ- પ્રયોગો કરવાને બદલે અનુકૂળ તારીખ શોધવા પર ધ્યાન

    મુંબઈ: બોલીવૂડના ભાઈજાન ગણાતા સલમાન ખાન માટે છેલ્લાં કેટલાંય વર્ષો ‘દુષ્કાળ’ સમાન રહ્યા છે. એક પછી એક ફ્લોપ ફિલ્મો બાદ હવે સલમાન ખાન ફરી એકવાર પોતાની જૂની અને જાણીતી ‘ઈદ’ રિલીઝની ફોર્મ્યુલા પર ઉતરી આવ્યો છે. સાઉથની સુપરસ્ટાર નયનતારા સાથેની તેની આગામી ફિલ્મ આગામી વર્ષે ઈદના અવસરે રિલીઝ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

    જોકે, મનોરંજન જગતમાં ચર્ચાઓ તેજ છે કે સલમાન ખાન કન્ટેન્ટ અને એક્ટિંગ પર ધ્યાન આપવાને બદલે માત્ર અનુકૂળ રિલીઝ ડેટ શોધવાના ગતકડાં અપનાવી રહ્યો છે. એક સમયે સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થાય એટલે રેકોર્ડબ્રેક કમાણી કરતી હતી, પરંતુ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી ફિલ્મોએ આ માન્યતા તોડી નાખી છે. વિવેચકોનું માનવું છે કે સલમાનની સ્ક્રિપ્ટની પસંદગી ખૂબ જ નબળી રહી છે અને તે શાહરૂખ ખાનની જેમ એક્શન સ્ટાર તરીકે કે આમિર ખાનની જેમ પ્રયોગાત્મક રીતે પુનરાગમન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

    આ નવી ફિલ્મનું નિર્દેશન સાઉથના લોકપ્રિય ડિરેક્ટર વામશી પેડિપલ્લી કરી રહ્યા છે અને શૂટિંગના શ્રીગણેશ પણ થઈ ચૂક્યા છે. નયનતારા જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસ સાથેની આ જોડી અને સાઉથના ડિરેક્ટરનું વિઝન સલમાનના ડૂબતા કરિયરને બચાવે છે કે નહીં, તે તો સમય જ બતાવશે. હાલ પૂરતું તો સલમાન ખાન ફરી એકવાર તહેવારના માહોલનો ફાયદો ઉઠાવી બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવવા મથામણ કરી રહ્યો છે.