બોલીવૂડમાં નવી જોડીનો ધડાકો: ટાઈગર શ્રોફ અને શનાયા કપૂર પ્રથમવાર સાથે, ફિરોઝ નડિયાદવાળા બનાવશે ભવ્ય કોમેડી ફિલ્મ
-
ફ્લોપના ગ્રહણ વચ્ચે સ્ટાર કિડ્સને મળી લાઈફલાઈન- અહમદ ખાનના દિગ્દર્શનમાં ટાઈગર એક્શન છોડી કરશે કોમેડી
-
બીબાંઢાળ રોલમાંથી બહાર આવવા ટાઈગરની મોટી કસોટી- ફિરોઝ નડિયાદવાળાની અનટાઈટલ્ડ ફિલ્મથી શનાયાનું નસીબ ચમકશે?
-
કરિયર બચાવવા માટે બંનેને એક હિટની તાતી જરૂર- આ વર્ષના અંત સુધીમાં શૂટિંગના શ્રીગણેશ થવાની શક્યતા
મુંબઈ: બોલીવૂડમાં સતત બદલાતા સમીકરણો વચ્ચે બે સ્ટાર કિડ્સ ટાઈગર શ્રોફ અને શનાયા કપૂરને એક મોટી લાઈફલાઈન મળી છે. જાણીતા નિર્માતા ફિરોઝ નડિયાદવાળા આ બંનેને સાથે લઈને એક બિગ બજેટ કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અહમદ ખાનને સોંપવામાં આવ્યું છે, જેમણે અગાઉ ટાઈગર સાથે એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ વખતે તેઓ કોમેડીમાં નસીબ અજમાવશે.
ટાઈગર શ્રોફ માટે આ ફિલ્મ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી ટાઈગર માત્ર એક્શન અને ડાન્સિંગ રોલ્સમાં જ જોવા મળ્યો છે, જેના કારણે તેને ‘બીબાંઢાળ’ એક્ટર તરીકે જોવામાં આવતો હતો. આ ફિલ્મમાં તે પહેલીવાર સંપૂર્ણ રીતે કોમેડી કરતો જોવા મળશે. બીજી તરફ, શનાયા કપૂર જે લાંબા સમયથી પોતાની ડેબ્યૂ ફિલ્મ અને સાચી પ્રતિભા સાબિત કરવાની તકની રાહ જોઈ રહી છે, તેને આ ફિલ્મથી નવી ઓળખ મળી શકે છે.
ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મના મેકર્સ તેને આધુનિક કોમેડી ફિલ્મ તરીકે રજૂ કરવાના છે. ઉલ્લેખનીય છે કે ટાઈગરની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે, તેથી તેને એક બ્લોકબસ્ટરની તાતી જરૂર છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે. બોલીવૂડના વર્તુળોમાં આ નવી જોડી અને જોનરને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.