ખારકીવ પર રશિયાનો ભીષણ મિસાઈલ હુમલો: 10 ના મોત, 17 ઘાયલ
-
પેચેનીહી ગામના વ્યસ્ત ચાર રસ્તા અને કાફે પર ક્રૂઝ મિસાઈલથી હુમલો
-
10 મકાનો અને 7 વાહનો ક્ષતિગ્રસ્ત, ઈમરજન્સી ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી
-
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી આક્રોશ વ્યક્ત કર્યો
સિટી ન્યુઝ @ કીવ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ઉત્તર-પૂર્વીય યુક્રેનના ખારકીવ વિસ્તારમાં રશિયન સેના દ્વારા કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 10 નાગરિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાએ ખારકીવના પેચેનીહી ગામના મધ્ય ભાગમાં આવેલા એક અત્યંત વ્યસ્ત ચાર રસ્તાને નિશાન બનાવીને આ ઘાતક હુમલો કર્યો હતો.
હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસમાં આવેલા રહેણાંક મકાનો, કાફે, કરિયાણાની દુકાનો અને સ્થાનિક પોસ્ટ ઑફિસ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયાં હતાં. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઘટનાસ્થળની તસવીરો શેર કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે નિર્દોષ નાગરિકો પર થયેલા આ બર્બર હુમલાનો યુક્રેન યોગ્ય અને આકરો જવાબ આપશે.
ખારકીવ પ્રાંતના ગવર્નર ઓલેહ સિનીહુબોવે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ હુમલામાં 17 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ 10 ખાનગી મકાનો અને ઓછામાં ઓછાં 7 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
યુક્રેનના પ્રોસિક્યુટર જનરલની કચેરીના પ્રાથમિક અહેવાલો અનુસાર, રશિયાએ આ વિસ્તારને નિશાન બનાવવા માટે બે નાની બેન્ડેરોલ ક્રૂઝ મિસાઈલોનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ હુમલાના બે દિવસ અગાઉ યુક્રેને પણ રશિયાની સરહદથી લઈને છેક મોસ્કો અને રોસ્તોવ સુધી હજારો ડ્રોન્સ દ્વારા વળતો પ્રહાર કર્યો હતો, જેના જવાબમાં રશિયાએ ખારકીવ અને કીવ જેવા વિસ્તારોમાં મિસાઈલ હુમલા તેજ કર્યા છે.
ખારકીવમાં રશિયન મિસાઈલ હુમલાથી ભારે વિનાશ
યુક્રેનના ખારકીવના પેચેનીહી ગામ પર રશિયાએ ક્રૂઝ મિસાઈલથી હુમલો કરતાં 10 લોકોનાં મોત થયાં છે અને 17 નાગરિકો ઘાયલ થયા છે. હુમલામાં કાફે, પોસ્ટ ઓફિસ અને 10 મકાનો ધ્વસ્ત થઈ ગયાં છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાની આકરી નિંદા કરીને રશિયાને વળતો સણસણતો જવાબ આપવાની ચેતવણી આપી છે.