UAE નો મોટો નિર્ણય: ઈરાન સાથેના તમામ વેપાર-સંબંધો સ્થગિત
-
સંભવિત મિસાઈલ ખતરાને પગલે UAE ના નાગરિકોને મોબાઈલ પર અપાયું ઈમરજન્સી એલર્ટ
-
UAE ના સંરક્ષણ મંત્રાલયનો દાવો: ઈરાન તરફથી બે બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી
-
પ્રાદેશિક તણાવને ધ્યાને રાખી આગળની સૂચના સુધી તમામ વાણિજ્યિક વિનિમય બંધ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે સૈન્ય તણાવ વચ્ચે ખાડી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ગાઢ મિત્ર દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક મોટો અને કડક કૂટનીતિક નિર્ણય લેતા ઈરાન સાથેના તમામ પ્રકારના વેપાર, વાણિજ્યિક વિનિમય અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દીધા છે.
આ નિર્ણયની વિગતો આપતાં UAE વિદેશ મંત્રાલયના સંચાર વિભાગના ડાયરેક્ટર આફ્રા અલ હમેલીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, પ્રાદેશિક સુરક્ષા, વધતો જતો સૈન્ય તણાવ અને વર્તમાન કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછીની આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન સાથેની તમામ પ્રકારની આર્થિક અને વ્યાપારી લેવડદેવડ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
વેપાર પર પ્રતિબંધ મૂકવાની આ સત્તાવાર જાહેરાતના આશરે બે કલાક પહેલાં UAE ના નાગરિકો અને રહેવાસીઓના મોબાઈલ ફોન પર ઈમરજન્સી એલર્ટ સાયરન વાગ્યા હતા, જેમાં સંભવિત મિસાઈલ હુમલાના જોખમ સામે લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
UAE ના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાને ગલ્ફમાં જહાજો અને નેવિગેશનને ટાર્ગેટ બનાવીને બે બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. દેશની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને શોધી કાઢી હતી, જે પૈકી એક મિસાઈલ દેશની જળસીમા બહાર અને બીજી મિસાઈલ પ્રાદેશિક જળસીમાની અંદર પડી હતી.
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઇએ UAE ના આ તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ઈરાને સંયુક્ત આરબ અમીરાત તરફ કોઈ પણ પ્રકારની મિસાઈલ છોડી નથી અને આવા પાયાવિહોણા દાવાઓ ક્ષેત્રીય સુરક્ષા તથા પરસ્પર વિશ્વાસના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે. આ ઘટનાક્રમથી સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધનું જોખમ વધુ ઘેરું બન્યું છે.
UAE એ ઈરાન સાથેના તમામ વેપાર સ્થગિત કર્યા
બેલિસ્ટિક મિસાઈલ ખતરા અને વધતા ક્ષેત્રીય તણાવને પગલે UAE એ ઈરાન સાથેના તમામ પ્રકારના વેપાર, વાણિજ્ય અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી રોકી દીધા છે. અગાઉ UAE માં મિસાઈલ એલર્ટ જારી કરાયું હતું. જોકે, ઈરાને કોઈપણ પ્રકારનો મિસાઈલ હુમલો કર્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.