Loading Please Wait !!!
ગણપતિ દાદાના વાહન ઉંદરોને મારવા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

રાજકોટમાં રેસકોર્સ સહિતના વિસ્તારોમાં પેસ્ટ, ઝેરી દવા કે કેમિકલના ઉપયોગનો વિરોધ; રણજીત મુંધવા-હરેશ ભારાઈએ વનમંત્રીને રજૂઆત કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉંદરોને મારવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના મુદ્દે કોંગ્રેસે ફરી એકવાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આગેવાનો રણજીત મુંધવા અને હરેશભાઈ ભારાઈએ રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિગતવાર રજૂઆત કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉંદરોના દરમાં પેસ્ટ, ઝેરી દવા કે કેમિકલ નાખીને તેમને મારવાની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે.કોંગ્રેસ આગેવાનો રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ શહેરગાંધી ગાયોને દૂર કરવાની કામગીરી, વાંદરાઓને પિંજરે પૂરવાની કામગીરી અને શ્વાનો અંગેની કાર્યવાહી બાદ હવે ભગવાન ગણપતિ દાદાના વાહન ગણતા ઉંદરોને ખતમ કરવાની વાતો સામે આવી રહી છે. રેસકોર્સ સાઉન્ડ સહિતના વિસ્તારોમાં ઉંદરોના દર કે રહેઠાણોને કારણે અત્યાર સુધી સામાન્ય નાગરિકોને કોઈ ગંભીર પરેશાની થઈ હોય તેવો કોઈ નોંધપાત્ર કિસ્સો સામે આવ્યો નથી, ત્યારે આવી કડક અને ઘાતક કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે તે અંગે મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરવી જરૂરી છે તેથી કોંગ્રેસે રજૂઆતમાં વન્યજીવ સંબંધિત કાયદાની કલમ ૯ અને ૩૯ સહિત લાગુ પડતા તમામ જોગવાઈઓનું કડક પાલન કરવાની માગ કરી છે. કોઇપણ જીવ સામે કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત કાયદા, નિયમો અને જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે કે નહીં તેની સંપૂર્ણ સ્પષ્ટતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી તેવી પણ માગ કરવામાં આવી છે. રણજીત મુંધવા અને હરેશભાઈ ભારાઈએ જણાવ્યું હતું કે ગણપતિ દાદાના વાહન એવા એક પણ ઉંદરે તેના દરમાં પેસ્ટ, ઝેરી દવા કે કેમિકલ નાખીને મારવાની કામગીરી કરવામાં આવશે તો કોંગ્રેસ ચૂપ બેસશે નહીં. જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરીને સમગ્ર મુદ્દાને કોર્ટ સુધી લઈ જવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.