Loading Please Wait !!!
ડિજિટલ ઇન્ડિયા વચ્ચે રાજકોટ ટ્રાફિક પોલીસ ‘રોકડ’માં કેમ દંડ વસૂલે છે !

  • રાજકોટ સિટી પોલીસની સત્તાવાર વેબસાઈટ પર E-Challanની ઓનલાઈન ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે
  • UPIની સુવિધા ન હોવાથી વાહનચાલકોની ફરિયાદો રોકડ ન હોય તો પરિવારજનોને સ્થળ પર પૈસા લઈને બોલાવવાની નોબત

સિટી ન્યૂઝ@રાજકોટ

ડિજિટલ પેમેન્ટના સમયમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક દંડ ભરવાની વ્યવસ્થાને લઈને વાહનચાલકોમાં સવાલો ઊભા થયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર દંડ ભરવાનો થાય ત્યારે UPI પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પરિણામે વાહનચાલક પાસે રોકડ રકમ ન હોય તો પરિવારજનો અથવા પરિચિતોને પૈસા લઈને સ્થળ પર બોલાવવાની નોબત આવતી હોવાની રજૂઆતો થઈરહી છે. રાજકોટ સિટી પોલીસની સત્તાવાર વેબસાઈટ પર e-Challanની ઓનલાઈન ચુકવણીની સુવિધા ઉપલબ્ધ છે. જોકે, વાહનચાલકોનું કહેવું છે કે જ્યારે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવે ત્યારે ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.આજના સમયમાં મોટાભાગના લોકો UPI સહિતના ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. ઘણા લોકો પોતાની સાથે મોટી રોકડ રકમ રાખતા નથી. આવી સ્થિતિમાં સ્થળ પર દંડ ભરવાનો થાય અને UPIની સુવિધા ન મળે તો વાહનચાલક માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.વાહનચાલકોની રજૂઆત છે કે ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ પર અધિકૃત અને પારદર્શક UPI પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે તો દંડની વસૂલાત વધુ સરળ બની શકે. સાથે જ પેમેન્ટની સત્તાવાર રસીદ પણ તરત જ ઉપલબ્ધ થઈ શકે.વાહનચાલકો દ્વારા એવો વિકલ્પ પણ સૂચવવામાં આવી રહ્યો છે કે જો કોઈ કારણસર સ્થળ પર ડિજિટલ પેમેન્ટ શક્ય ન હોય અને વાહનચાલક પાસે રોકડ પણ ન હોય, તો વાહન નંબરના આધારે e-Memo જનરેટ કરીને ઓનલાઈન દંડ ભરવાની તક આપવામાં આવે.આવી વ્યવસ્થાથી વાહનચાલકને સ્થળ પર પરિવારજનો કે પરિચિતોને પૈસા લઈને બોલાવવાની ફરજ ન પડે અને દંડની વસૂલાત પણ નિયમિત ડિજિટલ ચેનલ મારફતે થઈ શકે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી છે. જોકે, દંડની વસૂલાતની પ્રક્રિયા પણ સમયની ટેકનોલોજી સાથે સુસંગત અને નાગરિકો માટે સરળ હોવી જરૂરી છે. વાહનચાલકોની માંગ છે કે રાજકોટ ટ્રાફિક પોલીસ સ્થળ પર UPI પેમેન્ટની સુવિધા શરૂ કરે અથવા રોકડ ન હોય તેવા કિસ્સામાં e-Memo દ્વારા ઓનલાઈન દંડ ભરવાની વ્યવસ્થા સુલભ બનાવે. ડિજિટલ યુગમાં ટ્રાફિક દંડની વસૂલાત પણ કેશલેસ, પારદર્શક અને ઝંઝટમુક્ત બને તે સમયની જરૂરિયાત છે.