Loading Please Wait !!!
રેલવેની મૂળભૂત સુવિધાઓના અભાવે મુસાફરો મુશ્કેલીમાં: કોંગ્રેસ

કેગના અહેવાલને ટાંકીને ડૉ. મનીષ દોશીનો સરકાર પર પ્રહાર, રેલવે મંત્રીના રાજીનામાની માગ

સિટી ન્યૂઝ@અમદાવાદ

ભારતીય રેલવેમાં મુસાફરોને પડતી અસુવિધાઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કેગના અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે રેલવેના ૧૧૨ સ્ટેશનોની તપાસમાં ૮૯% સ્ટેશનો પર પંખા, પોટર કુલર, પીવાનું પાણી, ટૉઈલેટ, બેઠક વ્યવસ્થા અને શેલ્ટર જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.

ડૉ. મનીષ દોશીના જણાવ્યા મુજબ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણના દાવા વચ્ચે અમદાવાદ અને સુરત સહિતના ૪ મોટા સ્ટેશનોમાં પણ પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓમાં જાગીઓ જોવા મળી છે. અમદાવાદ સ્ટેશનની વાર્ષિક આવક ૬૩૫ કરોડ અને સુરતની ૭૪૦ કરોડ હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધા ન મળતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

કેગના અહેવાલને ટાંકીને ડૉ. દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા ૫ વર્ષમાં રેલવેને ફાળવાયેલી રકમમાંથી ૧૧,૪૭૯ કરોડ વણવપરાયેલા રહ્યા છે. મુસાફરોની સુવિધા માટે ફાળવાયેલા નાણાંનો ઉપયોગ ન થતો હોવાનો તેમણે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે રેલવે સ્ટેશનોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવાના પ્રયાસો અંગે પણ સરકાર પાસે જવાબ માગ્યો હતો.

ડૉ. દોશીએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટના દરમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૨માં ૩ થી ૫, ૨૦૧૫માં ૧થી ૧૦ અને કોવિડકાળ દરમિયાન કેટલાક દિવિઝનમાં ૫૦ સુધી ચાર્જ વસૂલાતો હતો. ૨૦૧૯-૨૦માં પ્લેટફોર્મ ટિકિટમાંથી ૧૧૦.૮૭ કરોડની આવક થઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૧૫માં કેન્સલેશન ચાર્જ વધારી દેવામાં આવ્યા હતા અને એપ્રિલ ૨૦૨૧થી નિયમો વધુ કડક બનાવ્યા છે. છેલ્લા ૪ વર્ષમાં કેન્સલેશન ચાર્જ પેટે મુસાફરો પાસેથી ૬,૧૧૨ કરોડ વસૂલાયા હોવાનો દાવો તેમણે કર્યો હતો.

કોંગ્રેસે સરકાર સમક્ષ કરી માગ

કોંગ્રેસે કેગના અહેવાલમાં દર્શાવેલી ખામીઓ અને નાણાકીય બાબતો અંગે સરકાર જવાબ આપે, તમામ રેલવે સ્ટેશનો પર પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડે અને વરિષ્ઠ નાગરિકોની ભાડા છૂટ પુનઃસ્થાપિત કરે તેવી માગ કરી છે. ઉપરાંત વણવપરાયેલા ૧૧,૪૭૯ કરોડનો સંપૂર્ણ હિસાબ જાહેર કરી તે નાણાં મુસાફરોની સુવિધા પાછળ વાપરવા, રેલવે સ્ટેશનોના ખાનગીકરણના પ્રયાસો રોકવા તથા રેલવેની દુર્દશા અને મુસાફરોની ઉપેક્ષાનીૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે મંત્રી રાજીનામું આપે તેવી માગ ડૉ. મનીષ દોશીએ કરી છે.