Loading Please Wait !!!
હોર્મુઝ પર અમેરિકાની માલિકીનો ટ્રમ્પનો દાવો: નવો નકશો કર્યો જાહેર

 

  • સોશિયલ મીડિયા પર નકશો પોસ્ટ કરી હોર્મુઝને અમેરિકન વિસ્તાર ગણાવ્યો

  • નાકાબંધી અને ઓઈલ પ્રતિબંધ ન હટે ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવા ઈરાન મક્કમ

  • સંભવિત મિસાઈલ ખતરાને પગલે દુબઈમાં નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જારી

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ છેડ્યો છે. તેમણે વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ જળમાર્ગને અમેરિકાનો વિસ્તાર દર્શાવતો એક ભડકાઉ નકશો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યો છે. ટ્રમ્પના આ દાવા બાદ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર નેવિગેશનના અધિકારોને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય તેમજ કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ટ્રમ્પે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે વૈશ્વિક ઊર્જા નિકાસ માટે કરોડરજ્જુ સમાન હોર્મુઝની ખાડી પર હાલ અમેરિકાનું સંપૂર્ણ સૈન્ય નિયંત્રણ છે. તેમણે પત્રકારો સમક્ષ પુનરોચ્ચાર કર્યો હતો કે અમેરિકા ઘેરાબંધી દ્વારા આ જળમાર્ગને કંટ્રોલ કરી રહ્યું છે અને ઈરાનને હરાવીને ટૂંક સમયમાં તેને સત્તાવાર રીતે અમેરિકન વિસ્તાર જાહેર કરી દેવામાં આવશે. ફારસની ખાડીને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડતા આ સાંકડા માર્ગ પર ટ્રમ્પના આ વલણથી સ્થિતિ વધુ વણસી છે.

સામે પક્ષે ઈરાને આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી અમેરિકા જૂન મહિનાની સમજૂતી હેઠળની શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની ખાડી ખોલવામાં આવશે નહીં. ઈરાનના વરિષ્ઠ મંત્રણાકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે માંગ કરી છે કે અમેરિકન સૈન્ય પોતાની નાકાબંધી હટાવે, કાચા તેલની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરે અને વિદેશમાં જપ્ત કરાયેલી ઈરાનની અસ્કયામતો તાત્કાલિક મુક્ત કરે.

આ ગંભીર તણાવ વચ્ચે દુબઈમાં સંભવિત મિસાઈલ ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરાઈ હતી, જેને બાદમાં ખતરો ટળતાં પરત ખેંચવામાં આવી હતી. બીજી તરફ હોર્મુઝ નજીક એક માલવાહક જહાજ પર અજાણ્યા તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવતાં એક ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરામ્કોની રિફાઈનરી પર હુમલો કરવાનો દાવો કરતાં સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વિસ્ફોટક બની છે.

ટ્રમ્પના નકશાથી હોર્મુઝ વિવાદ વકર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર નકશો પોસ્ટ કરી હોર્મુઝની ખાડીને અમેરિકાનો વિસ્તાર ગણાવી તેના પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ઈરાને પ્રતિબંધો ન હટે ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવાની ચેતવણી આપી છે. આ વિવાદ વચ્ચે દુબઈમાં મિસાઈલ એલર્ટ અપાયું હતું અને હોર્મુઝમાં એક જહાજ પર હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે.