ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો
» ગાંધી સેન્ટર ખાતે ધ્વજવંદન, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા; ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવી
સિટી ન્યૂઝ @ ઓકલેન્ડ
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે મહાત્મા ગાંધી સેન્ટર અને ઓકલેન્ડ ઈન્ડિયન એસોસિએશન ખાતે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત-ઓકલેન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા ગ્રુપના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડૉ. મદનમોહન સેઠીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય સમુદાય દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય સમુદાયના લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારતીય સમુદાય સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ગાંધી સેન્ટરની બાજુમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે પણ વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી દ્વારા તેમની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વડાપ્રધાન અને સમગ્ર વિશ્વના કલ્યાણ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મંદિરના પૂજારી, સંસ્થાના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને બાળકો સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો.