Loading Please Wait !!!
બ્રિટનમાં રાજકીય ભૂકંપ: PM કિર સ્ટાર્મર સામે 72 સાંસદોનો ખુલ્લો બળવો

  • રાજીનામું આપો અથવા તારીખ નક્કી કરો; લેબર પાર્ટીના ગઢમાં ગાબડા પડતા ખુરશી જોખમમાં
  • 1,500 બેઠકો ગુમાવ્યા બાદ વડાપ્રધાન એકલા પડ્યા; લંડનથી વેલ્સ સુધી પાર્ટીની ઐતિહાસિક હાર
  • લેબર પાર્ટીના 403 માંથી 71 સાંસદો મેદાનમાં; કિર સ્ટાર્મર સામે ઘર આંગણે જ વિરોધનો વંટોળ

સિટી ન્યુઝ @ લંડન

બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે વડાપ્રધાન સામે રાજીનામું આપવા અથવા પદ છોડવા માટેની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી અત્યાર સુધીમાં 71 સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે, કાં તો પીએમ તુરંત પદ છોડે અથવા તો સ્પષ્ટ કરે કે તેઓ ક્યારે સત્તા પરથી ઉતરશે.

બ્રિટિશ સરકારની કેબિનેટમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે અને સ્થિતિ ગંભીર બની છે. સરકારને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું હતું. જોકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ વડાપ્રધાનની પડખે હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ શબાના મહમૂદ જેવું કદાવર અને મહત્વનું નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા અને ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે.

લેબર પાર્ટીના નેતાઓ અને સાંસદોની આ નારાજગી પાછળ તાજેતરના ચૂંટણી પરિણામો જવાબદાર છે. ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીએ અંદાજે 1,500 કાઉન્સિલરોની બેઠકો ગુમાવી છે, જે પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવે છે. વેલ્સમાં જ્યાં પાર્ટીનું એક સદી જૂનું વર્ચસ્વ હતું, ત્યાં હવે તેની પકડ ઢીલી પડી છે અને સ્કોટલેન્ડમાં પણ પાર્ટીએ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટી જેવી વિરોધ પક્ષો લેબરના પરંપરાગત મતો ખેંચવામાં સફળ રહી છે, જેનાથી સાંસદોમાં ફફડાટ વ્યાપ્યો છે.

આટલા મોટા આંતરિક વિરોધ અને દબાણ વચ્ચે પણ વડાપ્રધાન કિર સ્ટાર્મર મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ." તેમણે કબૂલાત કરી હતી કે તેમની સરકારથી કેટલીક 'ભૂલો' ચોક્કસપણે થઈ છે, પરંતુ દેશના હિતમાં લેવાયેલા મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા રહ્યા છે. પીએમએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે પદ છોડવું એ દેશને રાજકીય અરાજકતામાં ધકેલવા જેવું જોખમી પગલું હશે.

હાલમાં લંડનના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બળવાખોર સાંસદો એકજૂથ થઈને નેતૃત્વ પરિવર્તન માટે રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ, સ્ટાર્મર સમર્થકો ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. આગામી 48 કલાક બ્રિટિશ રાજકારણ અને લેબર પાર્ટીના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. જો બળવાખોર સાંસદોની સંખ્યામાં હજુ પણ વધારો થશે, તો કિર સ્ટાર્મર માટે સત્તા જાળવી રાખવી અશક્ય બની જશે.