CM વિજયનો પ્રથમ મોટો એક્શન: તમિલનાડુમાં 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ
- ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેના ઠેકાઓ પર લાગશે તાળા; સામાજિક સુધારાની શરૂઆત
- શપથ લેતાની સાથે જ મુખ્યમંત્રી વિજયે વચનો પાળ્યા; મહિલા સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સની જાહેરાત
- સરકારી તિજોરી ખાલી હોવાનો મુખ્યમંત્રીનો દાવો; 2021 થી 2026 ના હિસાબ જનતા સામે મુકાશે
સિટી ન્યુઝ @ ચેન્નાઈ
તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ અભિનેતામાંથી રાજનેતા બનેલા જોસેફ વિજયે તેમના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં રાજ્યમાં ચાલતી 717 સરકારી દારૂની દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. નવા મુખ્યમંત્રીના આ આદેશ મુજબ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દારૂની દુકાનો આગામી બે અઠવાડિયામાં જનતાના હિતમાં બંધ કરી દેવામાં આવશે. આ પગલાને રાજ્યમાં સામાજિક પરિવર્તનની દિશામાં એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજયે માત્ર દારૂબંધી જ નહીં, પરંતુ જનતા માટે અનેક લોકકલ્યાણકારી જાહેરાતોનો પટારો પણ ખોલ્યો છે. તેમણે ચૂંટણી વચન મુજબ ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ, રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એક સમર્પિત ‘સ્પેશિયલ ફોર્સ’ની રચના કરવાની અને દરેક જિલ્લામાં નશાના દૂષણને ડામવા માટે વિશેષ ડ્રગ્સ વિરોધી યુનિટ (Anti-Drug Unit) સ્થાપવાની પણ મહત્વની જાહેરાત કરી છે.
પોતાના પ્રથમ સંબોધનમાં મુખ્યમંત્રીએ અગાઉની સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તમિલનાડુ અત્યારે 10 લાખ કરોડ રૂપિયાથી વધુના જંગી દેવા હેઠળ દબાયેલું છે અને સરકારી તિજોરી સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ છે. રાજ્યની આર્થિક સ્થિતિની પારદર્શક વિગતો જનતા સમક્ષ લાવવા માટે તેમણે 2021 થી 2026 ના સમયગાળાનું એક શ્વેતપત્ર (White Paper) બહાર પાડવાનો નિર્ણય લીધો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી તેમની પ્રાથમિકતા રહેશે.
તમિલનાડુના 51 વર્ષીય આ નેતાની પાર્ટી 'તમિલગા વે્ટ્રી કઝગમ' (TVK) અત્યારે રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકારની રચના થઈ છે, જેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગ જેવા પક્ષોએ TVK ને ટેકો જાહેર કર્યો છે. હાલમાં વિધાનસભામાં TVK પાસે પોતાના 107 ધારાસભ્યો છે અને ગઠબંધન સાથે કુલ 120 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. મુખ્યમંત્રી વિજય ટૂંક સમયમાં ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરી પોતાની બહુમતી સાબિત કરશે.
નિષ્ણાતોના મતે, જોસેફ વિજયનો આ આક્રમક અંદાજ અને પ્રથમ જ દિવસે લેવાયેલા લોકભોગ્ય નિર્ણયો રાજ્યમાં તેમની પકડ મજબૂત બનાવશે. દારૂની દુકાનો બંધ કરવાના નિર્ણયને ખાસ કરીને મહિલા મતદારો દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે દેવામાં ડૂબેલા રાજ્યમાં આટલી મોટી રાહતો આપ્યા બાદ નવી સરકાર આર્થિક સંતુલન કેવી રીતે જાળવે છે. હાલમાં સમગ્ર દક્ષિણ ભારતમાં વિજયના આ ‘સુપરહિટ’ વહીવટી પ્રારંભની ચર્ચાઓ તેજ બની છે.