ઈરાન યુદ્ધની વૈશ્વિક એવિએશન પર સર્જિકલ સ્ટ્રાઈક: જેટ ફ્યુઅલના ભાવ આસમાને
- એર ઈન્ડિયા સહિતની દિગ્ગજ કંપનીઓ સેંકડો ફ્લાઈટ્સ રદ કરશે; દુનિયાભરમાં ફ્યુઅલની ભારે તંગી
- મે મહિનામાં જ ૧૩,૦૦૦ ફ્લાઈટ્સ કેન્સલ; હોર્મુઝની ખાડી બંધ થતા વૈશ્વિક પરિવહન ઠપ્પ
- મ્યુનિક અને ઈસ્તાંબુલ સૌથી વધુ પ્રભાવિત; ૯.૩ મિલિયન સીટ્સ ઘટતા પ્રવાસીઓ અટવાયા
સિટી ન્યુઝ @ તહેરાન
ઈરાન યુદ્ધ જેમ-જેમ લાંબું ખેંચાઈ રહ્યું છે, તેમ-તેમ તેની વિનાશક અસરો હવે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા અને ખાસ કરીને એવિએશન સેક્ટર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જેટ ફ્યુઅલ (ATF) ની કિંમતો હાલ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચી ગઈ છે, જેના કારણે વિશ્વભરની એરલાઈન્સ 'ક્રાઈસિસ મોડ'માં આવી ગઈ છે. ભારત જેવા દેશોમાં પણ સરકારે નાગરિકોને બિનજરૂરી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવા અને પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ગંભીર સલાહ આપી છે.
ફ્લાઈટ્સ કેન્સલેશનનો રાફડો ફાટ્યો માત્ર મે મહિનામાં જ યુદ્ધની અસરોને કારણે સમગ્ર વિશ્વમાં અંદાજે ૧૩,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ કેન્સલેશનને કારણે વૈશ્વિક માર્કેટમાંથી ૯.૩ મિલિયન સીટ્સ ઓછી થઈ ગઈ છે. સૌથી વધુ અસર મ્યુનિક અને ઈસ્તાંબુલ જેવા વ્યસ્ત ડેસ્ટિનેશન્સ પર જોવા મળી છે. એર ઈન્ડિયાએ પણ વધતા ખર્ચને પહોંચી વળવા પોતાની સેંકડો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
યુરોપમાં ફ્યુઅલનો સ્ટોક તળિયે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે યુરોપમાં જૂન મહિના સુધીમાં જેટ ફ્યુઅલનો સ્ટોક માત્ર ૨૩ દિવસ ચાલે તેટલો જ બાકી રહેવાની આશંકા છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો પણ આ કટોકટીમાંથી બાકાત નથી. જે દેશો જેટ ફ્યુઅલની આયાત પર નિર્ભર છે, જેમ કે થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, તેમના ફોરેન રિઝર્વ પર ભારે દબાણ આવી રહ્યું છે. ભારતે ડોમેસ્ટિક ઉડાન માટે ફ્યુઅલના ભાવ સ્થિર રાખ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે મોંઘા ભાવે ઇંધણ ખરીદવું અનિવાર્ય બનતા ભાડામાં પણ તોતિંગ વધારો ઝીંકાય તેવી શક્યતા છે.
ઓગસ્ટ સુધી રાહતની કોઈ શક્યતા નથી એક્સપર્ટ્સનું માનવું છે કે જો વ્યૂહાત્મક રીતે મહત્વની એવી 'હોર્મુઝની ખાડી' આવતીકાલે જ ખુલી જાય તો પણ પરિસ્થિતિ સામાન્ય થતા ઓગસ્ટ સુધીનો સમય લાગી શકે છે. અમેરિકા અને યુકેમાં સમર વેકેશનની સીઝન હોવા છતાં, એરલાઈન્સના શિડ્યૂલ્સ અસ્ત-વ્યસ્ત થઈ જતાં પ્રવાસીઓ વિદેશ જવાનો પ્લાન પડતો મૂકી રહ્યા છે. આ કટોકટી ટૂંકા ગાળાની જણાતી નથી અને ૨૦૨૬ના અંત સુધી એર ટ્રાફિક અને કેપેસિટીમાં મોટો ઘટાડો રહેવાની ધારણા છે.
હાલની સ્થિતિ જોતા એરલાઈન્સ કંપનીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ એક મોટો પડકાર બની ગયો છે. જે રીતે જેટ ફ્યુઅલની શોર્ટેજ ઉભી થઈ રહી છે, તે જોતા આગામી દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી અને દુર્લભ બની શકે છે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો આ કટોકટીને ઈતિહાસની સૌથી ભયાનક ફ્યુઅલ કટોકટી ગણાવી રહ્યા છે.