Loading Please Wait !!!
2 વર્ષમાં 200 ચક્ષુદાનથી 400 લોકોને મળી રોશની

  • વિવેકાનંદ યુથ ક્લબના અભિયાનને સૌરાષ્ટ્રભરમાંથી મળ્યો પ્રચંડ પ્રતિસાદ
  • રોજ 50 થી 60 મૃત્યુ છતાં ચક્ષુદાન ઓછું, જાગૃતિની તાતી જરૂર


સિટી ન્યૂઝ@રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં માનવતાનો અનોખો દીવો પ્રગટાવી રહેલી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા દ્રષ્ટિહીનોના જીવનમાં પ્રકાશ પાથરવાનું પવિત્ર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સંસ્થાની અવિરત મહેનતના પરિણામે છેલ્લા 2 વર્ષમાં પૂરા સૌરાષ્ટ્રમાંથી 200 જેટલા ચક્ષુદાન મેળવવામાં સફળતા મળી છે, જેના થકી 400 જેટલા દ્રષ્ટિહીન લોકોના અંધકારમય જીવનમાં નવી રોશની પ્રગટી છે.

ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશીએ જણાવ્યું હતું કે, શહેરમાં આ પ્રવૃત્તિને વેગ મળે તે માટે શાળા-કોલેજમાં સેમિનાર, વાહનો પર સ્ટીકર, પત્રિકા વિતરણ, બેનરો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉમદા કાર્યમાં જૈન સોશિયલ ગ્રુપ, જીવદયા ગ્રુપ સહિતના વિવિધ સામાજિક સંગઠનોનો મોટો સહયોગ મળી રહ્યો છે. મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સુનીલ વોરા, હસુ રાચ્છ, નલીન તન્ના, ઉપીન ભીમાણી અને કેતન મેસવાણી સહિતના અનેક કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમિતિના અન્ય સંયોજક ઉપેન મોદીએ એક ચિંતાજનક હકીકત જણાવતા કહ્યું હતું કે, જનજાગૃતિ ચોક્કસ વધી છે, પરંતુ રાજકોટ શહેરમાં રોજના અંદાજે 50 થી 60 મરણ થતા હોવા છતાં મૃત્યુ બાદ ચક્ષુદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ભારતથી નાના દેશો જેવા કે શ્રીલંકા, કેન્યા, અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં લોકોની જાગૃતિના કારણે મૃત્યુ બાદ 70 થી 100 ટકા સુધી ચક્ષુદાન થાય છે. બૌદ્ધ ધર્મના કારણે દુનિયામાં સૌથી વધુ ચક્ષુદાન શ્રીલંકામાં થાય છે. ત્યારે આપણે પણ આ બાબતે જાગૃત થવાની તાતી જરૂરિયાત છે.
મૃત્યુ બાદ સ્વજનની આંખોને રાખ કે માટી ન બનાવો

ચક્ષુદાન પ્રવૃત્તિમાં મૃત્યુ બાદ તરત જ ચક્ષુદાન સ્વીકારવા માટે આઈ સર્જન ડો. ધર્મેશ શાહ, ડો. હેમલ કણસાગરા તેમજ સિવિલ હોસ્પિટલની આઈ બેન્ક ટીમનો સતત સહયોગ મળી રહ્યો છે. સમિતિ દ્વારા રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવી છે કે પોતાના સ્વજન કે પરિચિતનું અવસાન થાય ત્યારે તેમની આંખોને બાળી કે દાટી દેવાને બદલે ચક્ષુદાન કરીને અન્યના જીવનમાં ઉજાસ પાથરો. મૃત્યુ બાદ કોઈપણ સમયે ચક્ષુદાન માટે સંયોજક અનુપમ દોશી (94282 33796) અથવા ઉપેન મોદી (98240 43143) નો તત્કાળ સંપર્ક સાધવા વિનંતી કરાઈ છે.


ચંદ્રિકાબેન મહેતાનું અવસાન થતા  પરિવારજનો દ્વારા સ્કીન અને ચક્ષુ દાન કરાયું 

શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ચંદ્રિકાબેન બળવંતરાય મહેતા અરીહંત શરણ પામતા સિવિલ હોસ્પીટલના લાભાર્થે ચક્ષુદાન તેમજ સ્કીનદાન કરેલ છે. ચંદ્રિકાબેન બળવંતરાય મહેતા ઉ.વ ૯૦ આજરોજ સવારે અરીહંત શરણ પામ્યા છે. મહેતા પરિવાર તેમજ પારસભાઈ શાહની જાગૃતિના કારણે તેમના સહયોગથી સિવિલ હોસ્પીટલના લાભાર્થે તેમનું ચક્ષુદાન તેમજ સ્કીનદાન કરવામાં આવેલું છે. જેમાં રાજકોટ સિવિલ આઈ સર્જન ટીમ તેમજ સ્કીનદાનથી અંદાજીત ૨૦ થી ૨૫ દાઝેલા દર્દીઓને નવજીવન મળશે. દાનમાં મળેલી સ્કીનને ૬ વર્ષ સુધી સ્કીનબેંકમાં સાચવી શકાય છે.આ ઉપરાંત ચક્ષુદાનથી બે વ્યક્તિના જીવનમાં પ્રકાશ પથરાય છે  મૃત્યુ પછી ૬ કલાકની અંદર ચક્ષુદાન તેમજ સ્કીનદાન કરી શકાય છે.આપના સ્નેહીના જન્મદિન કે સ્મૃતિરૂપે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, સ્કીનદાન, કરી શકાય છે.