Loading Please Wait !!!
પાકિસ્તાને ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો? ઈરાની વિમાનોને એરબેઝ પર આપ્યો આશરો

  • મધ્યસ્થીના બહાને પાકિસ્તાનનો તેહરાનને ગુપ્ત ટેકો; નૂર ખાન એરબેઝ પર ઈરાની વાયુસેનાનો ડેરો
  • CBS ન્યૂઝના અહેવાલથી વૈશ્વિક ખળભળાટ; RC-130 સહિતના વિમાનો પાકિસ્તાની એરબેઝ પર સુરક્ષિત
  • લિન્ડસે ગ્રેહામે પાકિસ્તાન સામે લાલ આંખ કરી; ઈરાનને સૈન્ય મદદ કરવા બદલ રાજદ્વારી મુશ્કેલી વધશે

સિટી ન્યુઝ @ રાવલપિંડી/વોશિંગ્ટન

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એક તરફ પાકિસ્તાન પોતાને બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે રજૂ કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ તેણે ગુપ્ત રીતે ઈરાની સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર આશરો આપ્યો હોવાના અહેવાલોથી વોશિંગ્ટનમાં રોષ ફાટી નીકળ્યો છે. અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને રાવલપિંડી સ્થિત તેના ‘નૂર ખાન એરબેઝ’નો ઉપયોગ ઈરાની વાયુસેનાના વિમાનોને અમેરિકાના સંભવિત હુમલાઓથી બચાવવા માટે કરવા દીધો હતો.

CBS ન્યૂઝના અહેવાલ અનુસાર, એપ્રિલ મહિનામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી તેના તુરંત બાદ જ ઈરાને તેની સૈન્ય વિમાન સંપત્તિને સુરક્ષિત કરવા પાકિસ્તાની એરફોર્સના ઠેકાણાઓનો આશરો લીધો હતો. આ વિમાનોમાં ઈરાની વાયુસેનાનું અત્યંત મહત્વનું RC-130 રિકોનિસન્સ વિમાન પણ સામેલ હોવાનું મનાય છે. આ ઘટના બહાર આવ્યા બાદ અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો આ અહેવાલ સાચો સાબિત થશે, તો મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા ખતમ થઈ જશે અને તેની વિદેશ નીતિનું નવેસરથી મૂલ્યાંકન કરવું પડશે.

માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ઈરાને અફઘાનિસ્તાનના કાબુલ અને હેરાત એરપોર્ટ પર પણ પોતાના નાગરિક વિમાનો મોકલ્યા હોવાના સમાચાર છે. જોકે, તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ દાવાઓને નકારી કાઢ્યા છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાન માટે આ સ્થિતિ અત્યંત કપરી છે, કારણ કે તે અમેરિકા સાથેના સૈન્ય સંબંધો જાળવી રાખવા માંગે છે પરંતુ પોતાના પાડોશી ઈરાન કે તેના પરમાણુ સાથી ચીનને પણ નારાજ કરી શકે તેમ નથી. નોંધનીય છે કે પાકિસ્તાનની 80 ટકા હથિયારોની આયાત ચીન પર નિર્ભર છે, જે ઈરાનનું સમર્થન કરી રહ્યું છે.

વ્યૂહાત્મક રીતે જોઈએ તો ઈરાને આ પગલું તેની વાયુસેનાને અમેરિકાના ‘પ્રી-એમ્પટિવ’ સ્ટ્રાઈકથી બચાવવા માટે લીધું હતું. હોર્મુઝની સામુદ્રધુનીમાં હજુ પણ તણાવ યથાવત છે અને યુએઈએ ઈરાન પર ડ્રોન હુમલાના આરોપ લગાવ્યા છે. ગયા અઠવાડિયે જ અમેરિકાએ ઈરાનના બે બંદરો પર કરેલી એરસ્ટ્રાઈક બાદ ઈરાને પોતાના મુખ્ય યુદ્ધ વિમાનોને અન્ય દેશોના એરબેઝ પર ખસેડવાની રણનીતિ અપનાવી હતી. પાકિસ્તાનના આ ગુપ્ત સહયોગથી ટ્રમ્પ વહીવટીતંત્ર ભારે નારાજ હોવાનું મનાય છે.

હાલમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી, પરંતુ રાવલપિંડીમાં વિદેશી વિમાનોની હાજરીથી અનેક સવાલો ઉભા થયા છે. યુદ્ધવિરામ છતાં ઈરાનની વળતર અને પ્રતિબંધો હટાવવાની જીદ સામે ટ્રમ્પ ઝૂકવા તૈયાર નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની આ ‘બેવડી રમત’ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી શકે છે. આગામી દિવસોમાં અમેરિકા પાકિસ્તાન પર સખત આર્થિક કે સૈન્ય પ્રતિબંધો લાદશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.