ચીનનો ખતરનાક માસ્ટરપ્લાન: વિશ્વમાં અનાજ અને ખાતરની સિક્રેટ જમાખોરી શરૂ
- ઈરાન યુદ્ધ વચ્ચે બેઇજિંગનો મોટો ખેલ; ડેવિડ માલપાસે દુનિયાને ચેતવી
- ચીનની નિકાસબંધીથી યુરિયા $512 થી સીધું $959 પર પહોંચ્યું; ખેડૂતો ચિંતામાં
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા સપ્લાય ચેઈન ઠપ; ટ્રમ્પ-જિનપિંગ સમિટ પર વિશ્વની નજર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે માત્ર તેલના કુવાઓ જ નહીં, પણ વિશ્વભરની સપ્લાય ચેઈનને પણ ભીંસમાં મૂકી દીધી છે. આ વૈશ્વિક કટોકટીનો લાભ ઉઠાવીને ચીન અત્યારે ગુપ્ત રીતે અનાજ અને ખાતરનો અસાધારણ સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલોથી ખળભળાટ મચ્યો છે. વર્લ્ડ બેન્કના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક આક્રમક ઇન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન અત્યારે દુનિયાનો સૌથી મોટો ખાદ્ય ભંડાર ઉભો કરી રહ્યું છે, જે અન્ય દેશો માટે મુશ્કેલી સર્જી શકે છે.
ચીનના આ વલણની સૌથી સીધી અને માઠી અસર ભારત જેવા કૃષિપ્રધાન દેશો પર જોવા મળી રહી છે. માર્ચ મહિનાથી જ ચીને ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, ભારત અગાઉ જે યુરિયા 512 ડૉલર પ્રતિ ટનના ભાવે ખરીદતું હતું, તેની કિંમત હવે વધીને 959 ડૉલર થઈ ગઈ છે. આમ, ભારતે ખાતર માટે લગભગ બમણી કિંમત ચૂકવવી પડી રહી છે, જે અંતે ખેતીના ખર્ચમાં અને ત્યારબાદ સામાન્ય જનતા માટે મોંઘવારીમાં પરિણમશે.
નિષ્ણાતો માને છે કે ચીનની આ જમાખોરી પાછળ એક ઊંડી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ હોવાથી દરિયાઈ વેપાર ખોરવાયો છે. ચીનને ડર છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો તેના પોતાના દેશમાં અનાજની અછત સર્જાઈ શકે છે. આ ઉપરાંત, અનાજ અને ખાતર જેવી પાયાની જરૂરિયાતો પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં 'બાર્ગેનિંગ પાવર' વધારવા માંગે છે. જ્યારે અન્ય દેશોમાં અછત સર્જાશે ત્યારે ચીન આ સ્ટોક દ્વારા મોટો નફો કમાઈ શકે છે.
ભારત માટે અત્યારે સ્થિતિ અત્યંત જટિલ છે. એક તરફ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે અને બીજી તરફ ખાતરના વધેલા ભાવ સરકારી તિજોરી પર નાણાકીય બોજ વધારી રહ્યા છે. જો ભારત સરકાર આ ભાવવધારો ખેડૂતો સુધી પહોંચવા દેશે તો ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે અને જો સબસિડી વધારશે તો નાણાકીય ખાધ વધવાનું જોખમ છે. આ સંજોગોમાં ભારત માટે પોતાની ખાદ્ય સુરક્ષા જાળવી રાખવી એ એક મોટો પડકાર બની ગયો છે.
હાલમાં વિશ્વના તમામ દેશોની નજર બેઇજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને શી જિનપિંગની હાઈ-પ્રોફાઈલ સમિટ પર ટકેલી છે. ડેવિડ માલપાસે પણ આગ્રહ કર્યો છે કે આ મુલાકાત પહેલા ચીન પોતાની જમાખોરી બંધ કરે તે જરૂરી છે. જો આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ચીન નમતું નહીં જોખે, તો આગામી દિવસોમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં વૈશ્વિક સ્તરે મોટો ઉછાળો જોવા મળી શકે છે. ભારત અત્યારે વૈશ્વિક મંચ પર આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવી રહ્યું છે.