ગુજરાતમાં આગનો કહેર
- અલગ-અલગ વાહનો અને કારખાનામાં ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી
પીઠડીયા ટોલ પ્લાઝા પાસે ઓવરબ્રિજ પર કારમાં આગ
રાજકોટ-જેતપુર હાઇવે પર વીરપુર નજીક પીઠડીયા ટોલ પ્લાઝાના ઓવરબ્રિજ પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, કારચાલકની સમયસૂચકતાથી સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢના ઉપેશભાઈ દેવડા પોતાની કાર લઈને જૂનાગઢથી રાજકોટ જઈ રહ્યા હતા. પીઠડીયા ટોલ પ્લાઝાના ઓવરબ્રિજ પર પહોંચતા જ કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ભય પારખીને ઉપેશભાઈએ તાત્કાલિક કાર સાઈડમાં ઊભી રાખી બહાર નીકળી ગયા હતા, અને ગણતરીની મિનિટોમાં જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.સળગતી કારને પગલે હાઇવે પર પસાર થતા વાહનચાલકોમાં દહેશત ફેલાઈ હતી અને ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જેતપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. (તસવીર: ગૌરવ ગાજીપરા, વીરપુર)
વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા
શહેરમાં ગઈ રાત્રે અલગ-અલગ બે જગ્યાએ વાહનોમાં ભીષણ આગ લાગવાના બનાવો બન્યા હતા. બંને ઘટનાઓમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બંને કિસ્સામાં આગ પર કાબૂ મેળવવા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. પ્રથમ બનાવ ગોત્રી રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે બન્યો હતો. જ્યાં દોડતી કારમાંથી અચાનક ધુમાડા નીકળતા ચાલક બહાર નીકળી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં કાર ભડથું થઈ ગઈ હતી. સ્થાનિકોના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી. બીજો બનાવ વડોદરા પાસેના મંજુસર રોડ પર મધરાતે બન્યો હતો. જ્યાં એક ટેમ્પો અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની મદદ વિના કાબૂમાં લેવી અશક્ય હતી. આ આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા જ વડોદરા નજીક પાટોદ ગામે ભારતમાલા હાઇવે પર કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાઈ ગયો હતો. સતત વધતી ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવો હવે ચિંતાનો વિષય બન્યા છે.
રાજકોટ: આજીડેમ ચોકડી નજીક કારખાનાના વેસ્ટ માલમાં આગ
શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી ગઈ હતી. વેસ્ટ માલમાં આગ લાગતાની સાથે જ વિસ્તારમાં ધુમાડાના મોટા ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના જવાનોની ભારે જહેમત બાદ આખરે આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં કારખાનાના ખુલ્લા પટમાં પડેલો તમામ વેસ્ટ માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
રાજુલાના છતડીયા નજીક હાઈવે પર ટેન્કરમાં આગ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના છતડીયા ગામ પાસે એક ડિઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગના આ ભયાનક દ્રશ્યો જોઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા હાઈવે પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજુલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લોકોની સલામતીને ધ્યાને રાખીને સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો રોડ કોર્ડન કરી બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ ફાયર ફાઈટરોની ટીમે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ પરિસ્થિતિ થાળે પડતા પોલીસે ફરીથી હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ ન નોંધાતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. (તસવીર: ધર્મેશ મહેતા, રાજુલા)