વીરપુરમાં દીપડાનો આતંક વાછરડાનું મારણ, ખેડૂતોમાં ભય
- આહાબા સીમમાં 1 વર્ષથી દીપડાના સતત ધામા છતાં વનવિભાગ નિંદ્રામાં
- રેઢિયાર વાછરડાનો શિકાર કરતા પશુધન પર ખતરો,માલધારીઓમાં રોષ
- ખેતરે જતા ડરતા ખેડૂતોએ પાંજરું મૂકવા વનવિભાગ પાસે ઉગ્ર માંગ કરી
સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા-વીરપુર : યાત્રાધામ વીરપુરની આહાબા સીમ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. વારંવાર દીપડાના આંટાફેરા જોવા મળતા સ્થાનિક ખેડૂતો અને માલધારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગઈ રાત્રે જ આહાબા સીમ વિસ્તારમાં દીપડાએ એક રેઢિયાર વાછરડાનું મારણ કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી દીપડો આ વિસ્તારમાં સતત આંટાફેરા કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં અનેક પશુઓનો શિકાર કરી ચૂક્યો છે. અગાઉ થોડા દિવસો પહેલા જ એક ખેડૂતના માલિકીના વાછરડાનું મારણ પણ દીપડાએ કર્યું હતું. પશુધન પર સતત મંડરાતા ખતરાને કારણે માલધારીઓ તેમજ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. દીપડાના વધતા આતંકને કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં જવા પણ ડરી રહ્યા છે.
કોઈ માનવ પર હુમલો થશે તો જવાબદાર કોણ?
ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી આહાબા સીમ વિસ્તારમાં દીપડાના ધામા હોવા છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વનવિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વનતંત્ર પાસે ઉગ્ર માંગ ઉઠી છે કે તાત્કાલિક પાંજરું મૂકીને આ આદમખોર દીપડાને પકડી લેવામાં આવે. જો વનવિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને કોઈ માનવ પર હુમલો કરી જાનહાનિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વનતંત્રની રહેશે તેવી ભીતિ અને આક્રોશ લોકોમાં વ્યાપી રહ્યો છે.