અમેરિકામાં હંતા વાયરસની એન્ટ્રી: 17 મુસાફરોને 42 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા
- ‘MV હોન્ડિયસ’ ક્રુઝ શિપ પરથી પાછા ફરેલા પ્રવાસીઓ દેખરેખ હેઠળ; કિડની ફેલ થવાનો ખતરો
- 35-40% મૃત્યુદર ધરાવતો જીવલેણ વાયરસ; ઉંદરો અને ખિસકોલીથી ફેલાવવાની આશંકા
- શ્વાસમાં તકલીફ અને ફેફસામાં પાણી ભરાઈ શકે; WHO એ આપી ગંભીર ચેતવણી
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન ડીસી
અમેરિકામાં હંતા વાયરસના સંભવિત ખતરાને જોતા સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ‘MV હોન્ડિયસ’ નામની ક્રુઝ શિપ પર સવાર ૧૭ અમેરિકી મુસાફરો આ ખતરનાક વાયરસના સંપર્કમાં આવ્યા હોવાની આશંકા બાદ તેમને વિશેષ વિમાન દ્વારા અમેરિકા પરત લાવવામાં આવ્યા છે. હાલમાં આ તમામ મુસાફરોને નેબ્રાસ્કા મેડિકલ સેન્ટરમાં ૪૨ દિવસના સખત ક્વોરન્ટાઇન અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કિડની અને ફેફસા પર સીધો હુમલો તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હંતા વાયરસ અત્યંત ઘાતક છે, જે મનુષ્યની કિડની ફેલ કરી શકે છે. આ વાયરસના લક્ષણોમાં તીવ્ર તાવ, શરીરનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. સ્થિતિ ગંભીર બનતા દર્દીના ફેફસામાં પાણી ભરાઈ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના આંકડા મુજબ, આ વાયરસથી સંક્રમિત ૩૫ થી ૪૦ ટકા લોકોના મોત માત્ર ૬ અઠવાડિયામાં થઈ જાય છે.
પ્રાણીઓ દ્વારા ફેલાવો અને માનવ સંપર્ક હંતા વાયરસ મુખ્યત્વે ઉંદરો અને ખિસકોલી જેવા પ્રાણીઓના મળ, પેશાબ અથવા લાળ દ્વારા ફેલાય છે. જોકે, તેની ‘એન્ડીઝ’ નામની વિશિષ્ટ જાત માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. સંક્રમિત વ્યક્તિ સાથે ભોજન કરવાથી કે એક જ પથારી શેર કરવાથી પણ આ ચેપ લાગી શકે છે. આ વાયરસનું નામ દક્ષિણ કોરિયાની ‘હંટન’ નદી પરથી રાખવામાં આવ્યું છે અને તેનો પ્રથમ કેસ ૧૯૯૩માં અમેરિકામાં જ નોંધાયો હતો.
વૈશ્વિક સ્થિતિ અને તકેદારી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં દર વર્ષે ૧.૫ લાખ હંતા વાયરસના કેસ નોંધાય છે, જેમાં ચીન મોખરે છે. ૨૦૧૮માં આર્જેન્ટિનામાં એક જ પાર્ટીમાં ૩૪ લોકો સંક્રમિત થયા હતા અને ૧૧ લોકોના મોત થયા હતા. હાલમાં જે ૧૭ મુસાફરોને ક્વોરન્ટાઇન કરાયા છે, તેમાંથી એકમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. ડોક્ટરો આગામી ૮ અઠવાડિયા સુધી તેમની સતર્કતાથી તપાસ કરશે, કારણ કે આ વાયરસના લક્ષણો દેખાતા લાંબો સમય લાગે છે. અમેરિકી સ્વાસ્થ્ય વિભાગ (HHS) એ આ મામલે સતત મોનિટરિંગ શરૂ કર્યું છે જેથી દેશમાં આ વાયરસનો ફેલાવો અટકાવી શકાય.