Loading Please Wait !!!
રાજકોટમાં નિરાધાર અને દિવ્યાંગ વડીલો માટે `નિશુલ્ક રસોડું' શરૂ

  • શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઈન્દિરા સર્કલ પાસે ઉમદા આયોજન
  • દરરોજ 500 જેટલા નિસહાય વડીલોને શુદ્ધ-સાત્વિક ભોજન અપાશે

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં નિરાધાર, નિસહાય, આર્થિક તથા શારીરિક રીતે અસક્ષમ અને દિવ્યાંગ હોય એવા વડીલો માટે એક નવી અને પ્રેરણાદાયક શરૂઆત થવા જઈ રહી છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે એક એવા 'નિશુલ્ક રસોડા' ની શરૂઆત થવા જઈ રહી છે, જ્યાં એવા વડીલ સન્માનભેર જમી શકશે જેઓ આર્થિક રીતે સક્ષમ નથી, એકલવાયું જીવન જીવે છે, અથવા જેમના ઘરમાં કોઈ ગંભીર બીમારી કે દિવ્યાંગતા છે.

આગામી 17 મે, 2026 ના રોજ પવિત્ર પરસોત્તમ મહિનાના પહેલા જ દિવસથી આ નવા કિચનની શરૂઆત કરવામાં આવશે. આ રસોડામાં દરરોજ 250 વડીલ સવારે અને 250 વડીલ સાંજે એમ કુલ 500 જેટલા જરૂરિયાતમંદ વડીલો નિશુલ્ક ભોજન લઈ શકશે. વડીલોને શુદ્ધ અને સાત્વિક, એટલે કે શિંગતેલમાં બનાવેલું ભોજન જ પીરસવામાં આવશે. સવારે ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, છાશ અને સંભારો અપાશે, જ્યારે સાંજે કઢી-ખિચડી, શાક-રોટલી અને સંભારો પીરસવામાં આવશે. ઇન્દિરા સર્કલ પાસે શ્રદ્ધા હોસ્પિટલની નીચે આ રસોડું હોવાથી વડીલો BRTS અથવા સિટી બસમાં સરળતાથી આવી શકશે.

અહીં એક સમયે 40 વડીલો જમી શકે એવો સિટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. વડીલોને બપોરે 11:00 થી 2:00 અને સાંજે 7:00 થી 9:00 વાગ્યા સુધીના ટાઇમ સ્લોટમાં ભોજન આપવામાં આવશે. નોંધનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી નિશ્ચિત કરેલ વિસ્તારમાં અવિરત નિશુલ્ક ટિફિન સેવા પણ ચાલી રહી છે, જેમાં રોજ બંને ટાઇમ મળીને 177 ટિફિન જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવે છે.