Loading Please Wait !!!
ભાયાવદરમાં રવિવારે સુખનો મહાદરબાર 25 કન્યાઓના લગ્નનો મહામેળો

  • ઢોલના તાલે આવશે જાન, દીકરીઓ કરશે સપનાનો પ્રારંભ મહાન
  • 115 કરિયાવરથી મળશે જીવનને મજબૂત આધાર
  • સોના-ચાંદીના આભૂષણો રૂા.5 લાખની વીમા પોલીસી સહિત ફર્નિચર અને ઘર ઉપયોગી વસ્તુઓ તો ખરી જ

સિટી ન્યૂઝ@રાજકોટ : અમરેલી જિલ્લાના ભાયાવદર મુકામે આવેલ મકનભાપા સેવાધામ દ્વારા આયોજિત 25 દીકરીઓના રાજસી સમૂહલગ્નોત્સવને લઈ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. મકનબાપા મંદિરની 25મી રજતજયંતિ મહોત્સવ નિમિત્તે યોજાનાર આ ભવ્ય સમૂહલગ્નોત્સવમાં સમાજસેવા, સંસ્કાર અને વૈભવી આયોજનનું અનોખું સંગમ સર્જાશે. આ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વગર અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ આયોજનમાં દીકરીઓના લગ્નને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરાઈ છે. લગ્નમંડપને આકર્ષક અને ભવ્ય ડેકોરેશનથી સજાવવામાં આવશે, જાનનું આગમન નાસિક ઢોલથી અને દિકરીઓને કોલ્ડ ફાયરથી ભવ્ય એન્ટ્રી કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 16 અને 17 મે, 2026 દરમિયાન યોજાનાર છે. સેવાધામ ખાતે બે દિવસ સુધી ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોની રંગત જામશે. સમૂહલગ્નોત્સવને લઈને સેવાધામ પરિવાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો છે. કાર્યક્રમ અંતર્ગત તા. 17 મેના રોજ મકનબાપાની ભવ્ય શોભાયાત્રા તેમજ નવા નિર્મિત હોલ અર્પણ વિધિ તથા મંગલ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8:30 વાગ્યે મઢની બાજુમાં નિર્મિત હોલનું લોકાર્પણ થશે, જ્યારે સવારે 10:30 વાગ્યે મકનબાપા સેવાધામ ખાતે નિર્મિત  ભવ્ય રજવાડી પ્રવેશદ્વાર અર્પણ કરાશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે નવા હોલના મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. ગરમીના કારણે સમૂહ લગ્નોત્સવ રાત્રીના ભવ્ય લાઇટીંગ ડેકોરેશન સાથે યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને દાતાઓ હાજરી આપવાના છે.

સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથીએ બંધાનાર 25 દીકરીઓને કરિયાવરરૂપે સોના-ચાંદીના આભૂષણો, ફ્રીઝ, વોશીંગ મશીન, એલઇડી ટીવી, ઘરઘંટી સહિત ફર્નિચર તેમજ ઘરઉપયોગી તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે. આયોજકો દ્વારા દરેક દીકરીને નવા જીવનની શરૂઆતમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સન્માનજનક અને ઉપયોગી ભેટોની વિશેષ વ્યવસ્થા કરી છે. સમૂહલગ્નોત્સવના પ્રમુખ દાતાઓમાં અરવિંદભાઈ વી. ચાવડા (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ), સંજયભાઈ આર. રાવરાણી (ભગીરથ ઇન્ફ્રાબિલ્ડ-સુરત), દિલીપભાઈ આર. ચાવડા (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ), એસ. કે. પટેલ (નંદની હર્બલ કેર પ્રા.લિ.-અમદાવાદ) તેમજ વિનુભાઈ વિરજીભાઈ ચાવડા (વડેરા વિવેક ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.-ભાવનગર) સહિતના દાતાઓ વિશેષ સહયોગ આપી રહ્યા છે.
મકનભાપા સેવાધામ દ્વારા વર્ષોથી સમાજસેવા અને લોકકલ્યાણના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. રજતજયંતિ વર્ષને અનોખી રીતે ઉજવવા સમાજહિતના આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, દાતાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં માનવતા મહાનુભાવો તેમજ સંતો-મહંતો દિકરીઓએ આશિર્વાદ આપશે. આ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સભ્ય દિલીપભાઇ ચાવડા, હિમંતભાઇ ચાવડા, ચંદુભાઇ રાવરાણી, રસીકભાઇ ચાવડા, પ્રકાશ રાવરાણી, જીતુભાઇ ચાવડા, વિવેકભાઇ ચાવડા અને ગોપાલભાઇ રાવરાણી તથા સમસ્ત ચાવડા-રાવરાણી પરિવારના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.