બંગાળમાં EDની મોટી કાર્યવાહી: પૂર્વ મંત્રી સુજીત બોઝની 10 કલાકની પૂછપરછ બાદ ધરપકડ
- નગરપાલિકા ભરતી કૌભાંડમાં સકંજો કસાયો; 150 લોકોને ગેરકાયદે નોકરી અપાવવાનો આરોપ
- 2014-18 દરમિયાન દમદમ નગરપાલિકામાં થયેલા કૌભાંડનો પર્દાફાશ; પુત્ર સાથે ઓફિસે પહોંચ્યા હતા પૂર્વ મંત્રી
- શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાંથી ખુલી નગરપાલિકા કૌભાંડની ફાઈલ; અનેક નેતાઓ રડારમાં
સિટી ન્યુઝ @ કોલકાતા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના મુદ્દે ભૂકંપ આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે રાત્રે પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના દિગ્ગજ નેતા સુજીત બોઝની નગરપાલિકા ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. સુજીત બોઝ સોમવારે સવારે ૧૦:૩૦ વાગ્યે તેમના પુત્ર સમુદ્ર બોઝ સાથે કોલકાતા સ્થિત ED ઓફિસે હાજર થયા હતા, જ્યાં ૧૦ કલાકની લાંબી અને કડક પૂછપરછ બાદ તપાસ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી.
૧૫૦ લોકોને ગેરકાયદે નોકરી અપાવવાનો આરોપ સુજીત બોઝ પર આરોપ છે કે ૨૦૧૪ થી ૨૦૧૮ દરમિયાન જ્યારે તેઓ સાઉથ દમદમ નગરપાલિકાના ઉપાધ્યક્ષ હતા, ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને અંદાજે ૧૫૦ લોકોને ગેરકાયદેસર રીતે નોકરી અપાવી હતી. આ નોકરીઓના બદલામાં તેમણે ઉમેદવારો પાસેથી મોટી રકમ અને ફ્લેટ લીધા હોવાના પુરાવા EDને મળ્યા છે. આ ભરતી ક્લાર્ક, સફાઈકર્મી, પટાવાળા અને ડ્રાઈવર જેવા પદો માટે કરવામાં આવી હતી.
કેવી રીતે ખુલ્યું કૌભાંડ? આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે ED પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહી હતી. ૨૦૨૩માં TMC ના નજીકના ગણાતા અયાન સિલના ઠેકાણાઓ પર દરોડા પાડતા અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા હાથ લાગ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે ભ્રષ્ટાચારનું આ જાળું માત્ર શિક્ષણ વિભાગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ અનેક નગરપાલિકાઓ સુધી ફેલાયેલું છે. EDનો આરોપ છે કે 'M/s ABS Infozon Pvt Ltd' નામની કંપનીને ભરતીના કોન્ટ્રાક્ટ આપીને અયોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.
ચૂંટણી હાર બાદ મુશ્કેલી વધી બિધાનનગરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુજીત બોઝ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શરદવત મુખર્જી સામે ૩૭,૦૦૦થી વધુ મતોના અંતરથી હારી ગયા હતા. ચૂંટણી દરમિયાન પણ તેમને ED દ્વારા અનેક નોટિસ પાઠવવામાં આવી હતી. તેમણે હાઈકોર્ટમાં ધા નાખીને ચૂંટણી સુધી હાજર થવામાંથી મુક્તિ મેળવી હતી, પરંતુ ૧ મેના રોજ ફરી હાજર થયા બાદ ૧૧ દિવસમાં બીજી વખત બોલાવીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
સુજીત બોઝની ધરપકડથી બંગાળના સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે. ED અને CBI આ મામલે ૨ જાન્યુઆરી ૨૦૨૪ અને ઓક્ટોબર ૨૦૨૫માં સુજીત બોઝના નિવાસસ્થાને દરોડા પાડી ચૂકી છે. હાલમાં એજન્સી એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ કૌભાંડના પૈસા અન્ય કયા નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરી સંભાવના છે.