Loading Please Wait !!!
ભારત પર ‘ખાતર’ સંકટ: ઇરાન યુદ્ધના કારણે યુરિયા માટે ચૂકવવો પડશે બમણો ભાવ, ખેતી ખર્ચ વધવાની ભીતિ

 

  • 25 લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત માટે ભારત સરકારે અબજો ડોલરનો વધારાનો બોજ સહન કરવો પડશે

  •  રોયટર્સનો દાવો: અગાઉ 508 ડોલરમાં મળતું ખાતર હવે સીધું બમણા ભાવે ખરીદવા ભારત મજબૂર

  • યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ- ભારતે ઊંચી બોલી લગાવી પોતાની જરૂરિયાતો સુરક્ષિત કરી

    નવી દિલ્હી : ઇરાન અને પડોશી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ભારતના ખેતરો સુધી પહોંચ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત પોતાની કૃષિ જરૂરિયાતો પૂરી કરવા માટે ૨૫ લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત કરી રહ્યું છે, પરંતુ આ વખતે કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. ભારત સરકારને અગાઉના ભાવ કરતા લગભગ બમણો ભાવ ચૂકવવો પડી રહ્યો છે, જેની સીધી અસર દેશના કૃષિ અર્થતંત્ર અને ખાતરની સબસિડીના બજેટ પર પડશે.

    બમણા ભાવે સોદો નક્કી ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ઇન્ડિયન પોટાશ લિમિટેડે ૧૫ લાખ ટન યુરિયા ૯૩૫ ડોલર પ્રતિ ટન અને બાકીના ૧૦ લાખ ટન ૯૫૯ યૂરો પ્રતિ ટનના દરે ખરીદવા પર સંમતિ સાધી છે. નોંધનીય છે કે અગાઉ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં આ ભાવ માત્ર ૫૦૮ થી ૫૧૨ ડોલર પ્રતિ ટન હતો. આમ, ભારતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અગાઉ કરતા બમણી રકમ ચૂકવવી પડશે.

    ડિલિવરી અને લોજિસ્ટિક્સ આ ૨૫ લાખ ટન યુરિયામાંથી ૧૫ લાખ ટન પશ્ચિમ તટ (કંડલા, મુંદ્રા વગેરે) અને ૧૦ લાખ ટન પૂર્વી તટ પર ઉતારવામાં આવશે. ભારત વિશ્વમાં યુરિયાનો સૌથી મોટો આયાતકાર હોવાથી, ભારતની આ મોટી ખરીદીની અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં જ બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં નીચી બોલી ૯૩૫ ડોલર રહી હતી, જે દર્શાવે છે કે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં આગ લાગી છે.

    વૈશ્વિક આપૂર્તિ પર અસર નિષ્ણાતોનું માનવું છે કે ભારતની આ જંગી ખરીદીથી વૈશ્વિક સપ્લાય ચેઈન પર દબાણ વધશે. ભારતે પોતાની જરૂરિયાત તો સુરક્ષિત કરી લીધી છે, પરંતુ અન્ય દેશો માટે હવે યુરિયા મેળવવું મુશ્કેલ બનશે. કારણ કે મોટાભાગના ઉત્પાદકોએ ભારતને શિપમેન્ટ મોકલવાનું કમિટમેન્ટ આપી દીધું છે. આ સ્થિતિમાં વિશ્વના અન્ય ભાગોમાં ખાતરની અછત સર્જાઈ શકે છે અને કિંમતોમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. ભારત માટે આગામી સમયમાં ખેડૂતોને પોસાય તેવા ભાવે ખાતર પૂરું પાડવું એ સરકાર માટે મોટો પડકાર બની રહેશે.