માલદીવ્સ માટે ભારત બન્યું ‘સંકટ સમયની સાંકળ’: ₹30 અબજની આર્થિક મદદના પ્રથમ હપ્તાને મળી મંજૂરી
-
મુઈઝ્ઝૂ સરકારને મોટી રાહત- વિદેશી મુદ્રા ભંડાર વધારવા ભારતે કરન્સી સ્વાપ હેઠળ 400 મિલિયન ડૉલર ફાળવ્યા
-
ઓક્ટોબરમાં થયેલી સમજૂતીનો અમલ શરૂ; માલદીવ્સની નાણાકીય સ્થિરતા માટે ભારત સરકારનો મહત્વનો નિર્ણય
-
મુઈઝ્ઝૂની ભારત મુલાકાત બાદ સંબંધોમાં મજબૂતી; ટ્રેઝરી બિલ્સ બાદ હવે કરન્સી સ્વાપ સપોર્ટથી માલદીવ્સને બેઠું કરાશે
માલે : ભારત અને માલદીવ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર ઉષ્મા જોવા મળી રહી છે. આર્થિક સંકટ અને વિદેશી મુદ્રા ભંડારની અછતનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારત સરકારે માલદીવ્સને મોટી રાહત આપતા અંદાજે ₹30 અબજ (400 મિલિયન ડૉલર) ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારતીય એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ પગલું પડોશી દેશની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનું સાબિત થશે.
મુઈઝ્ઝૂની મુલાકાત બાદ ત્વરિત અમલ નોંધનીય છે કે ઓક્ટોબર 2024 માં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝૂની ભારત મુલાકાત દરમિયાન આ આર્થિક પેકેજ અંગે સમજૂતી થઈ હતી. આ આર્થિક મદદ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવી છે. માલદીવ્સ અત્યારે ભારે દેવા અને ઘટતા વિદેશી હુંડિયામણ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની આ સમયસરની મદદ મુઈઝ્ઝૂ સરકાર માટે સુરક્ષા કવચ સમાન બની છે.
ભારત- માલદીવ્સનું ભરોસાપાત્ર જોડાણ વર્ષ 2012 માં SAARC ફ્રેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને કુલ 1.1 અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે. આ અગાઉ પણ ભારતે માલદીવ્સની વિનંતી પર 100 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ્સને રોલઓવર કર્યા હતા, જેથી માલદીવ્સ પરનું તાત્કાલિક દેવાનું દબાણ હળવું થઈ શકે. સંપૂર્ણપણે પર્યટન અને આયાત પર નિર્ભર એવા આ ટાપુ દેશ માટે ભારત હંમેશા એક મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
શું છે આ ફ્રેમવર્ક? SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક એ દક્ષિણ એશિયાઈ દેશો માટે આર્થિક કટોકટી સમયે ‘સેફ્ટી નેટ’ તરીકે કામ કરે છે. જ્યારે કોઈ દેશને તેની આયાત-નિકાસના સંતુલન માટે વિદેશી મુદ્રાની જરૂર હોય, ત્યારે આ વ્યવસ્થા દ્વારા તાત્કાલિક ફંડ પૂરું પાડવામાં આવે છે. ભારતની આ મદદથી માત્ર માલદીવ્સના અર્થતંત્રને વેગ મળશે એટલું જ નહીં, પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ ગાઢ બનશે.