ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવો સત્તા પલટો કરવાનો હતો પ્લાન: નોઈડા પોલીસને મળેલી ડાયરીએ ખોલ્યા ખતરનાક રહસ્યો
-
Gen-Z યુવાનોને સ્લીપર સેલ બનાવવાનું ષડયંત્ર- એન્જિનિયર, પત્રકાર અને PhD સ્કોલર્સ તપાસના રડારમાં
-
ઈન્ટરનેટ અને કેમ્પસમાં સરકાર વિરોધી ભાષણો આપનારાઓ પર હતી નજર; પોલીસ કમિશનર લક્ષ્મી સિંહની કડક કાર્યવાહી
-
હિમાંશુની ડાયરીમાં મળ્યા મોટા પુરાવા- નોઈડા પોલીસ અને તપાસ એજન્સીઓ દેશભરમાં એક્શન મોડમાં
નવી દિલ્હી: ભારતની રાજધાનીને અડીને આવેલા નોઈડામાં પોલીસે એક એવા ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે દેશમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવી અશાંતિ ફેલાવીને સત્તા પલટો કરવાની તૈયારીમાં હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી ૨૮ પાનાની એક ડાયરીએ તપાસ એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. આ ડાયરી મુજબ, તોફાની તત્વો સરકાર વિરોધી વિચારધારા ધરાવતી નવી પેઢી એટલે કે ‘જનરેશન-ઝેડ’ (૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે જન્મેલા યુવાનો) ને સ્લીપર સેલમાં ભરતી કરી રહ્યા હતા.
સુનિયોજિત રીતે થતું હતું બ્રેઈનવોશ તપાસમાં બહાર આવ્યું છે કે ષડયંત્રકારીઓની એક ટીમ એનસીઆર (NCR) સહિત દેશભરમાં એવા યુવાનોની ઓળખ કરતી હતી જેઓ સોશિયલ મીડિયા કે કેમ્પસમાં સરકાર વિરોધી કટ્ટર વિચારો વ્યક્ત કરતા હોય. ત્યારબાદ બીજી ટીમ તેમનો સંપર્ક કરી, સંગઠનની નીતિઓ સમજાવી તેમનું બ્રેઈનવોશ કરતી હતી. ભવિષ્યમાં આ યુવાનોનો ઉપયોગ દેશમાં મોટી અશાંતિ ફેલાવવા માટે ‘સ્લીપર સેલ’ તરીકે કરવાનો પ્લાન હતો. નોઈડા પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું છે કે સંગઠિત ગુનાખોરી સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
પ્રોફેશનલ્સની શંકાસ્પદ સંડોવણી આ કાવતરામાં સામેલ લોકોની પ્રોફાઇલ જોઈને પોલીસ સ્તબ્ધ છે. પકડાયેલા શખ્સોમાં પીએચડી (PhD) કરી રહેલા વિદ્યાર્થીઓ, એન્જિનિયર, પત્રકાર અને થિયેટર કલાકારોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, આદિત્ય એક એન્જિનિયર છે, જ્યારે આકૃતિ અને હિમાંશુ પીએચડી સ્કોલર્સ છે. સત્યમ વર્મા નામનો શખ્સ દિલ્હી-લખનૌમાં પત્રકાર રહી ચૂક્યો છે અને તે જટિલ ગ્રંથોના અનુવાદમાં નિષ્ણાત છે. આ લોકો પોતાની અસલી ઓળખ છુપાવીને ‘ઓટો ડ્રાઈવર’ કે ‘સામાજિક કાર્યકર’ તરીકે લોકો વચ્ચે રહેતા હતા.
શા માટે Gen-Z ને બનાવ્યા નિશાન? ષડયંત્રકારીઓ સારી રીતે જાણતા હતા કે Gen-Z પેઢી ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સૌથી અગ્રેસર છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આ પેઢીએ જ સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી ભીડ એકઠી કરીને સત્તા પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જ મોડેલનો ઉપયોગ ભારતમાં કરવા માટે આ નેટવર્ક સક્રિય હતું. હાલમાં નોઈડા પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ ડાયરીમાં નોંધાયેલા અન્ય નામોના આધારે દેશભરમાં દરોડા પાડી રહી છે.