Loading Please Wait !!!
ભારતીય સોલર ઉદ્યોગને અમેરિકાનો મોટો ઝાટકો: આયાત થતી પેનલ્સ પર 123.04% એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી

 

  • અમેરિકી બજારમાં સસ્તા માલના નામે ભારત સહિત 3 દેશો પર ટેરિફનો કોરડો; નિકાસકારોની મુશ્કેલી વધશે

  •  સ્થાનિક કંપનીઓના રક્ષણના બહાને ભારત પર તોતિંગ ટેક્સ; ઇન્ડોનેશિયા અને લાઓસ પણ અમેરિકાના નિશાના પર

  •  અમેરિકન સોલર એલાયન્સે કરી હતી ફરિયાદ; ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ઘટાડવા અમેરિકાનો મોટો દાવ

    ભારત માટે સૌર ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક હબ બનવાના સ્વપ્ન વચ્ચે અમેરિકાથી માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી આયાત થતા સૌર સેલ (Solar Cells) અને પેનલ પર પ્રારંભિક એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. ભારતીય ઉત્પાદનો પર સૌથી વધુ ૧૨૩.૦૪% ડ્યુટી લાદવામાં આવી છે, જે દર્શાવે છે કે અમેરિકા પોતાના સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે રક્ષણાત્મક વલણ અપનાવી રહ્યું છે.

    શું છે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી? જ્યારે કોઈ દેશ પોતાના ઉત્પાદનોને વિદેશી બજારમાં તેની સામાન્ય કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચે (ડમ્પ કરે), ત્યારે આયાત કરનાર દેશની સરકાર સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે વધારાનો ટેક્સ લાદે છે, જેને એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી કહેવાય છે. અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એલાયન્સની ફરિયાદ બાદ ફેડરલ અધિકારીઓએ શોધી કાઢ્યું કે ભારત સહિતના દેશો સસ્તા ભાવે સોલર પેનલ્સ અમેરિકી બજારમાં ઠાલવી રહ્યા છે.

    ભારતીય નિકાસકારોને મોટો ફટકો સરકારી ડેટા મુજબ, ગત વર્ષે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસે અમેરિકાના કુલ સોલર માર્કેટમાં ૪.૫ બિલિયન ડોલર (અંદાજે ₹૩૭,૫૦૦ કરોડ) નો હિસ્સો આપ્યો હતો. આ નિર્ણયથી ઝડપથી વિકસતા યુએસ બજારમાં ભારતીય કંપનીઓનું વર્ચસ્વ ઘટી શકે છે. અમેરિકાની ફર્સ્ટ સોલર અને હનવા જેવી કંપનીઓએ દાવો કર્યો છે કે સસ્તી આયાતને કારણે અમેરિકન ફેક્ટરીઓ સ્પર્ધામાં ટકી શકતી નથી. આ ડ્યુટી લાદવાથી ભારતીય પેનલ્સની કિંમત અમેરિકામાં બમણી થઈ જશે, જે તેની માંગમાં મોટો ઘટાડો લાવી શકે છે.

    આગામી નિર્ણય ક્યારે? વાણિજ્ય વિભાગે જણાવ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયા અંગેનો અંતિમ નિર્ણય ૧૩ જુલાઈ ૨૦૨૬ ની આસપાસ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, એજન્સીએ ફેબ્રુઆરી ૨૦૨૬ માં કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવાની પણ તૈયારી બતાવી છે. ભારત સરકાર આ બાબતે અમેરિકી સત્તાધીશો સાથે મંત્રણા કરે તેવી શક્યતા છે, કારણ કે આ નિર્ણયથી ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.